અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળાનું ધૂમધામપૂર્વક સમાપન થયું. અંબાજી ખાતે ૧૨ સપ્ટેમરથી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમના મેળાની ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ. આ મેળામાં ભક્તોએ મા અંબા પ્રત્યે પોતાની શ્રદ્ધાની શક્તિ બતાવી. મેળામાં મંદિરને અધધપ સોનાનું દાન મળ્યું. ભાદરવી પૂનમના મેળામાં મંદિરની દાનપેટીમાંથી લાખો રૂપિયાની સોનાની લગડી મળી આવી.
મહત્વનું છે કે બનાસકાંઠાના દાતા ખાતે આવેલ અંબાજી મંદિર ફક્ત ગુજરાત જ નહિ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. માતા જગત જનની મા અંબાજીના મંદિરમાં ભાદરવી પૂનમના મેળાનું ખાસ મહત્વ છે. આ મેળા દરમ્યાન ભક્તો પગપાળા ચાલી માતાના દર્શનનો લહાવો લે છે. અંબાજી મંદિરમાં આ વખતે ભક્તોનો ભારે ધસારો જાવા મળ્યો. ૨ લાખથી પણ વધુ ભક્તોએ મેળા દરમ્યાન અંબાજી મંદિરની મુલાકાત લીધી. મંદિરમાં ભક્તોની ભીડ ઉપરાંત દાનપેટી પણ છલકાઈ.
ભાદરવી પૂનમના મેળાનું સમાપન થતા મંદિરનો ભંડારો ખોલવામાં આવ્યો. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી મંદિરને લાખો રૂપિયા સાથે સોનાનું દાન મળ્યું. મંદિરની દાનપેટીમાં અજાણ્યા દાતાઓ દ્વારા સોનાનું દાન કરવામાં આવ્યું. દાનપેટીમાં ૨૩૪ ગ્રામ ૯૭૦ મિલી ગ્રામ સોનાની ભેટ મળી. સોનાની લગડીનું વજન અંદાજે ૨૫૦ ગ્રામ છે. આ ઉપરાંત એક ભક્ત દ્વારા ૧૦૦ ગ્રામ વજનની સોનાની ૧૦ લગડી મંદિરમાં ભેટ ધરવામાં આવી. આ ૧૦ લગડી ચુંદડીમાં બાંધેલી હતી. આ સોનાની કિમંત અંદાજે ૭૦ થી ૭૫ લાખ હોવાનું મનાય છે. મંદિરને સુવર્ણ દાન ઉપરાંત લાખો રૂપિયાની ભેટ મળી.
ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરને સોનેથી મઢવામાં આવી રહ્યું છે. ભક્તો પણ સેવાનો લાભ લેવા મંદિરને સોનાનું દાન કરી રહ્યા છે. મંદિરને સોને મઢવાની કામગીરી ચાલુ છે ત્યારે અજાણ્યા ભક્તો દ્વારા મંદિરની દાનપેટીમાં સોનાનું દાન કરવામાં આવ્યું.