ઉતરપ્રદેશની ચૂંટણીમાં ભાજપ પર મોટો હુમલો કરતાં ઉતરપ્રદેશના ઇન્ચાર્જ પ્રિયંકા ગાંધીએ ભાજપને હવે ૭ વર્ષ અને ૭૦ વર્ષની માનસિકતામાંથી બહાર આવવા ટકોર કરી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા મહિલાઓ માટે ઉતરપ્રદેશમાં ખાસ ચૂંટણી ઢંઢેરો તથા અન્ય ચૂંટણી વચનો જોહેર કરતા સમયે પ્રિયંકાએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે ભાજપ અવારનવાર અમે ૭૦ વર્ષ સત્તામાં હતા તે પ્રશ્ન પૂછે છે પરંતુ મારો જવાબ છે કે તેઓ સાત વર્ષથી સત્તામાં છે તેમણે શું કર્યું છે તે જણાવવું જોઇએ.
ભાજપે આ ૭૦ વર્ષ અને ૭ વર્ષની માનસિકતામાંથી બહાર આવવું જોઇએ. પ્રિયંકા એ પણ કહ્યું કે અમારો આ ચૂંટણી ઢંઢેરો એ મહિલા પ્રત્યેની કોંગ્રેસની પ્રતિબધ્ધતા દર્શાવે છે. ઉતરપ્રદેશની ચૂંટણીમાં મહિલાઓના મતના આધારે જીતવાનો ખ્વાબ રાખતા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે જ એક મહિલા ચૂંટણી ઢંઢેરો જોહેર કર્યો છે. જેમાં તેમના પક્ષ દ્વારા ૪૦ ટકા મહિલા ઉમેદવારો ઉભા રાખવાની અને સરકારી નોકરીઓમાં ૫૦ ટકા મહિલા અનામત વગેરે વચન પણ અપાયા છે. પ્રિયંકાએ અગાઉ જ આ તમામ માહિતી આપી હતી. અને આજે તેને સત્તાવાર રીતે જોહેર કર્યો છે.
ઉતરપ્રદેશમાં કોંગ્રેસ માટે પ્રિયંકા અગાઉ જ ન લડકી હું લડ શકતી હું સુત્ર આપ્યું હતું અને આજની પત્રકાર પરિષદમાં મહિલાઓ સાથે પ્રિયંકા નજરે ચડયા હતા. અને ગુલાબી રંગનો મંચ બનાવ્યો હતો. તેના ચૂંટણી ઢંઢેરાને શક્તિવિધાન નામ અપાયું છે જેમાં ગૃહિણીઓ, કોલેજની છોકરીઓ તથા આશા વર્કર બહેનો, શિક્ષિકાઓ તથા પ્રોફેશનલ મહિલાઓનો સમાવેશ કરાયો છે. આ તકે કોંગ્રેસે જણાવ્યું હતું કે દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન કોંગ્રેસે આપ્યા છે, પ્રથમ રાષ્ટ્રપતિ મહિલા હોય તે કોંગ્રેસે શક્ય બનાવ્યું છે અને પ્રથમ મુખ્યમંત્રી પણ કોંગ્રેસના જ હતા જે મહિલા હતા.