મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ સૌથી વધુ ચર્ચામાં રહેલા વોર્ડ નંબર ૧માં રોમાંચક વળાંક આવ્યો છે. અહીં ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ પેનલે ભવ્ય વિજય હાંસલ કર્યો છે, જ્યારે પક્ષ સામે બળવો કરીને અપક્ષ તરીકે મેદાનમાં ઉતરેલા દેવાભાઈ અવાડિયાના પુત્ર અમિત દેવાભાઈ અવાડિયા સહિત તેમની આખી પેનલની હાર થઈ છે.
મોરબી વોર્ડ નંબર ૧ની ચૂંટણીમાં આ વખતે જબરદસ્ત માહોલ જામ્યો હતો. ભાજપ હાઈકમાન્ડે ટિકિટ કાપી નાખ્યા બાદ સ્થાનિક નેતા દેવાભાઈ અવાડિયાએ પોતાના પુત્ર અમિત અવાડિયા સહિત ચાર અપક્ષ ઉમેદવારોની સંપૂર્ણ પેનલ ઉતારીને પાર્ટી સામે સીધો પડકાર ફેંક્યો હતો. તેમણે સ્થાનિક નેતાઓ પર આકરા પ્રહારો કરતાં પ્રચારમાં જોરદાર માહોલ સર્જ્યો હતો. બીજી તરફ, મોરબીના ભાજપના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ વિરોધીઓને જડબાતોડ જવાબ આપતાં પાર્ટીની વિકાસલક્ષી વિચારધારા અને મોરબીના વિકાસના મુદ્દે મતદારોને આકર્ષ્યા હતા. પરિણામે મતદારોએ ભાજપની પેનલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને અપક્ષ પેનલને માત આપી છે.










































