આપ નેતા આતિશીએ વીજળી પછી કાર, પાણીનો મુદ્દો ઉઠાવીને ભાજપ સરકારને ઘેરી લીધી છે. આતિશીએ કહ્યું, ‘ભાજપ સરકારે ૬ મહિનામાં દિલ્હીના મધ્યમ વર્ગને હેરાન કરવામાં કોઈ કસર છોડી નથી. વીજળી અને પાણી પછી, તેઓએ અમારા વાહનો વિશે અમને હેરાન કર્યા. ભાજપે વાહનોની સ્થિતિનો વિચાર કર્યા વિના ૧૦ વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂક્યો.’
વાહનોના મુદ્દા પર, આતિશીએ કહ્યું કે જ્યારે દિલ્હીના લોકોએ આ નીતિનો વિરોધ કર્યો, ત્યારે દિલ્હી ભાજપ સરકારે સીએકયુએમને પત્ર લખ્યો. જે છેતરપિંડી છે. હવે તેઓ કહે છે કે તેઓ સુપ્રીમ કોર્ટ જશે. તેઓ સુપ્રીમ કોર્ટ જશે અને કેસ રદ થશે. પછી તેઓ કહેશે કે આ કોર્ટનો આદેશ છે. આતિશીએ કહ્યું કે ભાજપ તરફથી ૧૦ વર્ષ જૂના વાહનો અંગે કાયદો લાવવાની માંગ છે. ભલે તેઓ વટહુકમ લાવે. વિપક્ષ તેમનું સમર્થન કરશે. આતિશીએ એમ પણ કહ્યું કે હવે દિલ્હીના લોકો ભાજપ સરકારના રસ્તા પરથી જૂના વાહનો દૂર કરવાના મનસ્વી આદેશથી ખૂબ જ ચિંતિત અને પરેશાન છે.
આતિશીએ કહ્યું, ‘ભાજપ પહેલાથી જ ૨૫૦૦૦ વિધવાઓનું પેન્શન કાપી ચૂકયું છે. હવે તેઓ એક વાર્તા બનાવી રહ્યા છે કે ૬૦ હજાર મહિલાઓનું પેન્શન કાપવું જાઈએ. ફક્ત તે લોકો જ પેન્શન લેવા આવે છે જે સંપૂર્ણપણે લાચાર છે. તેમની પાસે રિક્ષા માટે પણ પૈસા નથી. ભાજપ બહાના શોધીને પેન્શન કાપી રહી છે. ભાજપ ગરીબ વિરોધી પાર્ટી છે. આ ચહેરો સામે આવી રહ્યો છે.’
દિલ્હીમાં વાહનો અંગેના તાજેતરના નિર્ણયોની વાત કરીએ તો, દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે જૂના વાહનો પર પ્રતિબંધ સંબંધિત નીતિમાં કેટલાક ફેરફારો કર્યા છે. દિલ્હી સરકારે ૧ જુલાઈ, ૨૦૨૫ થી પેટ્રોલ પંપ પર ૧૦ વર્ષથી જૂના ડીઝલ વાહનો અને ૧૫ વર્ષથી જૂના પેટ્રોલ/ સીએનજી વાહનોને ઇંધણ ન આપવાની નીતિ લાગુ કરવાની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય પ્રદૂષણ ઘટાડવાનો હતો, કારણ કે દિલ્હીમાં લગભગ ૫૫-૬૨ લાખ જૂના વાહનો છે, જે પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
જાકે, આ નીતિના અમલીકરણમાં તકનીકી મુશ્કેલીઓ (જેમ કે એએનપીઆર કેમેરામાં ખામી અને ડેટા સંકલનનો અભાવ) ને કારણે, તેને ૩ જુલાઈ ૨૦૨૫ ના રોજ પાછી ખેંચી લેવામાં આવી હતી. દિલ્હી સરકારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને પત્ર લખીને આ નીતિને હાલ પૂરતો મુલતવી રાખવાની અપીલ કરી હતી. હવે આ નીતિ ૧ નવેમ્બર ૨૦૨૫ સુધી મુલતવી રાખવામાં આવી છે.