અયોધ્યાયમાં રામ મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ૮૦ના દાયકાના અંતમાં આપેલું આ વચન હવે પૂરું થયું છે. પરંતુ એવું લાગી રહ્યુ છે કે, ભાજપ અહીં ચૂપચાપ બેસી રહેવાનું નથી. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ ભાજપના મોટા નેતા અને યોગી આદિત્યનાથ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય કે જેઓ યુપી સરકારમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે, તેમણે આ સંદર્ભમાં એક ટ્વિટ કર્યું છે. કેશવ પ્રસાદ મૌર્યએ બુધવારે સવારે ટ્‌વીટ કર્યું કે “અયોધ્યા કાશી ભવ્ય મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે, મથુરા તૈયાર છે.”
યુપીના ચૂંટણીની જાહેરાત થવામાં બહુ ઓછો સમય બાકી રહ્યો છે. રાજ્યમાં આવતા વર્ષની શરૂઆતમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈને આ ટ્‌વીટના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ તેનાથી પણ મહત્વની વાત ૬ ડિસેમ્બર છે. હકીકતમાં ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. બાબરીનો વિવાદ સેંકડો વર્ષોથી ચાલી રહ્યો હતો. કહેવાય છે કે બાબરી મસ્જિદ રામ મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આ વિવાદનો ઉકેલ આવી ગયો છે. વિવાદિત સ્થળ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને અયોધ્યા જિલ્લામાં અન્ય એક જગ્યાએ ભવ્ય મસ્જિદ પણ બનાવવામાં આવી રહી છે.
વર્ષોથી મથુરામાં વિવાદિત સ્થળ પરથી શાહી ઈદગાહને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. અખિલ ભારત હિંદુ મહાસભા, શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન સમિતિ, નારાયણી સેના અને કેટલાક લોકો પોતાને ભગવાન શ્રી કૃષ્ણના અનુયાયીઓ ગણાવતા વિવિધ સંગઠનો દ્વારા મથુરાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) દ્વારા ઇદગાહને હટાવવાની માંગણી કરી રહ્યા છે. કોર્ટમાં દાખલ કરેલ છે જે પેન્ડીંગ છે.
આગામી ૬ ડિસેમ્બરને લઈને મથુરામાં વહીવટી તંત્ર એલર્ટ પર છે. મહત્વનું છે કે, ૬ ડિસેમ્બરે, અખિલ ભારતીય હિંદુ મહાસભાએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલમાં સ્થિત શાહી ઇદગાહમાં પ્રવેશવાની અને શ્રી કૃષ્ણના બાળ દેવતા પર જલાભિષેક કરવાની જાહેરાત કરી છે. જેના કારણે જિલ્લા વહીવટીતંત્ર સુરક્ષા વ્યવસ્થાને લઈને સતર્ક બની ગયું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ નવનીત સિંહ ચહલ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક ડા. ગૌરવ ગ્રોવરે સંબંધિત સુરક્ષા કર્મચારીઓ અને અધિકારીઓને શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલ અને ઈદગાહની સુરક્ષાને લઈને સંપૂર્ણ સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે.