(એ.આર.એલ),વડોદરા,તા.૧૭
ભાજપનું સ્લોગન છે સબકા સાથ સબકા વિકાસ. ત્યારે ભાજપ જ નેતાઓ ભાજપની નાવડી ડુબાડવા માંગે છે. વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહની નેતાઓને વિચિત્ર સલાહ આપી હતી. રાવપુરામાં એક કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં ક્યારેય મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા. જ્યાં ખોબલેખોબલે મત મળે છે તેમને પ્રાથમિકતા આપવી. ત્યારે ભાજપના નેતાનું આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે.રાવપુરા વિધાનસભાના કાર્યકરો દ્વારા સાંસદનો સન્માન સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં પીએમ મોદીએ આપેલા ‘સબકા સાથ સબકા વિકાસ’ સૂત્રના લીરેલીરા ઉડાવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, દરેક ચૂંટણીમાં અમુક બૂથ પર ભાજપને મત નથી મળતા. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કામની અગ્રિમતા નક્કી કરવી જાઈએ. કયા વિસ્તારમાં કામને પ્રાથમિકતા આપવી તે નક્કી કરવું. જ્યાં ૧૦-૧૫ વર્ષથી મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા. જે ખોબલેખોબલે મત આપે તેમના કામ ન થાય તો વિચારવું જાઈએ.
તો બીજી તરફ, ભાજપ પ્રમુખના નિવેદનથી ભાજપના જ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ નારાજગી વ્યક્ત કરી છે. યોગેશ પટેલે કહ્યું કે, શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનો આદેશ એટલે માની જ લેવો એવું તો છે જ નઈ. વિજયભાઈ અમારા પ્રમુખ છે એમના વિચાર એવા હશે એટલે એમને એવું નિવેદન આપ્યું હશે. મતદારો સાથેના દ્વેષ ભાવ સાથે રાજકારણમાં કામ ન કરાય. હુ છેલ્લા આઠ વર્ષથી ધારાસભ્ય થઉં છું. મારી વિધાનસભામાંથી વધુ વોટ મળ્યા છે. શહેર પ્રમુખ વિજય શાહના નિવેદનથી હું બિલકુલ સહમત નથી. અમે ધારાસભ્ય બનીએ અને વિધાનસભામાં શપથ લઈએ છીએ ત્યારે નાતજાતનો ભેદ નથી રાખતા. વિકાસના કામો પર સર્વ જ્ઞાતિનો સરખો અધિકાર છે. વિકાસના કામમાં ભાજપ કોંગ્રેસ ન હોય. શહેરમાં આજદિન સુધી એક પણ મુસ્લમ ધારાસભ્ય નથી થયો. મેં તમામ કોમ ને સાથે રાખી બધા મતદારોની સેવા કરી છે. જે લોકોએ મને વોટ નથી આપ્યા મેં એમના પણ કામો કર્યા છે. લોકોના કામ કરીશું તો જ વોટ વધશે.વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે વડોદરા શહેર ભાજપાના પ્રમુખ વિજય શાહના નિવેદનને વખોડ્યું છે. તેમણે કહ્યુ કે કોઈપણ વ્યક્તને પ્રજા ચૂંટે છે અમે તે પ્રજાનો પ્રતિનિધિ બને છે. તેને જે ગ્રાન્ટ પ્રજાના પ્રતિનિધિ તરીકે મળે છે તે સરકારી ગ્રાન્ટ તમામ પ્રજાની હોય છે. ભાજપના નેતાનું આ નિવેદન પ્રજા સાથેનો દ્રોહ ગણાય આ નિવેદનને હું વખોડુ છું અને દુઃખ વ્યક્ત કરું છું.આમ, નોંધનીય છે કે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહની ચૂંટાયેલા સભ્યોને સુચના આપી છે કે છેલ્લી ત્રણ ચૂંટણીમાં જે બુથમાંથી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ ફાળવવી નહીં. જેને મત નથી આપ્યા તેના કામો નહિ કરવા તથા જ્યાંથી વધુમતો મળ્યા છે ત્યાં જ કામો કરવા. તેમણે ઉમેર્યું હતું સરકાર નિયમો બનાવે પણ આપણે લોકોની સાથે રહેવાનું. વિજય શાહે રાવપુરા વિધાનસભામાં આયોજિત સાંસદના સન્માન સમારોહ કાર્યક્રમમાં નિદેવન આપ્યું હતુ.