આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બંગાળમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી નારાજ વિપક્ષના નેતા અને ભાજપના નેતા સુભેન્દુ અધિકારીએ ‘જે અમારી સાથે છે, અમે તેમની સાથે છીએ’ તેવું નિવેદન આપીને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. આ નિવેદન પર વિવાદ સતત વધી રહ્યો છે. જાકે હવે ભાજપના જ નેતાઓ ખુદ શુભેંદુની ટીકા કરી રહ્યા છે. બીજેપી લઘુમતી મોરચાના રાષ્ટ્રય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ કહ્યું કે, તેઓ બીજી પાર્ટી (તૃણમૂલ કોંગ્રેસ)માંથી આવ્યા છે. વ્યક્તિ જ્યાંથી પણ આવે છે, તેની સંસ્કૃતિ હંમેશા તેનામાં પ્રતિબિંબિત થાય છે.
ભાજપ લઘુમતી મોરચાના વડાએ કહ્યું કે, ‘સબકા સાથ, સબકા વિકાસ’ ભાજપની આત્મા છે. શક્ય છે કે, સુભેન્દુ અધિકારીએ ભૂલથી આવું કહ્યું હોય. તેઓ પક્ષના જૂના કાર્યકર કે જમીની સંપર્ક ધરાવતા વ્યક્તિ નથી. તેઓ બીજી પાર્ટી (તૃણમૂલ કોંગ્રેસ)માંથી આવ્યા છે. વ્યક્તિ જ્યાંથી આવે છે, તેની સંસ્કૃતિ હંમેશા તેનામાં પ્રતિબિંબિત થાય છે.
તેમણે કહ્યું કે, ‘સબકા સાથ, સબકા વિકાસ’ એ ભારતીય જનતા પાર્ટીનો આત્મા છે, જેમ આત્મા વિના શરીર નકામું છે. તેવી જ રીતે ભાજપ પણ ‘સબકા સાથ, સબકા વિકાસ’ વગર કંઈ નથી. ભાજપની રચના સત્તા મેળવવા માટે નહીં, પરંતુ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સપના અને વિચારધારા (કતારમાં ઉભેલા છેલ્લા માણસને ઉંચી કરવા)ને પૂર્ણ કરવા માટે કરવામાં આવી હતી. ભાજપનો ઉદ્દેશ્ય સમાજના સૌથી પીડિત, વંચિત અને પરેશાન લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો છે. ભાજપનો આ જ ઉદ્દેશ્ય છે અને તે આ લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે.
સિદ્દીકીએ કહ્યું કે, ‘મને લાગે છે કે તેણે હતાશામાં આ નિવેદન આપ્યું છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ ભાજપનો આત્મા છે. અમે અહીં સત્તા માટે નહીં, પરંતુ સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે કામ કરવા આવ્યા છીએ. અમારી વિચારધારા સંપૂર્ણપણે ‘જે અમારી સાથે છે, અમે તેમની સાથે છીએ’ વિરુદ્ધ છે. વડાપ્રધાન મોદી હંમેશા કહે છે કે, અમે પ્રચાર દરમિયાન જ રાજનીતિ કરીએ છીએ, પરંતુ પરિણામો પછી અમારો એક જ ઉદ્દેશ્ય ‘સબકા સાથ, સબકા વિકાસ’ છે.
મહારાષ્ટ્રથી આવેલા જમાલ સિદ્દીકીએ કહ્યું કે, મુસ્લિમોએ અમને વોટ નથી આપ્યા તે જાઈને નિરાશા થયા હતા, પરંતુ વિકસિત ભારત માટે બધાને સાથે લઈને ચાલવું જરૂરી છે. તેમણે કહ્યું કે, ‘અમારી નીતિ દરેક માટે કામ કરવાની છે, પછી ભલે તે કોઈપણ જાતિ, સંપ્રદાય અથવા ધર્મનો હોય. આપણે ત્યારે જ મજબૂત રાષ્ટ્ર બની શકીશું, જ્યારે આપણે એક થઈશું. મને એ પણ ખરાબ લાગે છે કે, મુસ્લિમોએ અમને વોટ નથી આપ્યા. આ એટલા માટે પણ છે કારણ કે કેટલાક લોકો ચૂંટણી દરમિયાન એવું કહીને ઝેર ઉગાડે છે કે, મુસ્લિમોએ પાકિસ્તાન જવું જાઈએ.
ભાજપની બેઠક દરમિયાન અધિકારીએ ભાજપના લઘુમતી મોરચાને બંધ કરવાનું સૂચન કર્યું હતું. સિદ્દીકીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘શુભેંદુ અધિકારીને આવું કહેવાનો કોઈ અધિકાર નથી, તેઓ ટોચના નેતૃત્વથી ઉપર નથી. તેઓ પાર્ટીમાં નવા છે અને મને લાગે છે કે, તેઓ ભાજપની વિચારધારાથી પ્રભાવિત નથી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની રાજ્ય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન શુભેન્દુ અધિકારી ગુસ્સે થઈ ગયા હતા. આ જ મીટિંગમાં શુભેન્દુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સૂત્રને બદલવાની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, ‘રાષ્ટ્રવાદી મુસ્લિમ જેવી કોઈ વસ્તુ નથી. જે અમારી સાથે છે, અમે તેમની સાથે છીએ.’ અધિકારીએ પાર્ટીમાં લઘુમતી મોરચાને ખતમ કરવાની વાત પણ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, ‘હું રાષ્ટ્રવાદી મુસ્લિમોની વાત કરતો હતો અને તમે પણ ‘સબકા સાથ, સબકા વિકાસ’નો નારો આપ્યો હતો, પરંતુ હવે હું આવું નહીં કહું. તેના બદલે હું કહીશ કે, ‘જે અમારી સાથે છે, અમે તેમની સાથે’. ‘સબકા સાથ, સબકા વિકાસ’ના આ સૂત્રને બંધ કરો. અમારે લઘુમતી મોરચાની પણ જરૂર નથી.જાકે, વિવાદ વધતાં તેણે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી અને કહ્યું કે, તે ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્રને નિષ્ઠાપૂર્વક અનુસરે છે. સુવેન્દુ અધિકારીના નિવેદન પર ટીએમસીના પ્રવક્તા રિજુ દત્તે ટોણો માર્યો હતો અને કહ્યું હતું કે, સુવેન્દુનો દરજ્જા પીએમ મોદી કરતા મોટો લાગે છે. શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા છે. આ અગાઉ તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં જ હતા, પરંતુ ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ટીએમસી છોડીને ભાજપમાં જાડાયા હતા. ત્યારબાદ મમતા બેનર્જીએ શુભેન્દુની સીટ નંદીગ્રામથી ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ જીતી શક્યા નહોતા. પાર્ટીએ શુભેન્દુને વિપક્ષના નેતા બનાવીને આનું વળતર આપ્યું હતું. જા કે, લોકસભા ચૂંટણીમાં હાર બાદ શુભેન્દુને આ પદ પરથી હટાવવાની ચર્ચા પણ ઉઠી હતી.