ભાજપના નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા કિરીટ સોમૈયાએ સોમવારે બોમ્બે હાઈકોર્ટમાં શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉત વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સંજય રાઉતે મેધા કિરીટ સોમૈયા પર ૧૦૦ કરોડ રૂપિયાના શૌચાલય કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મેધા સોમૈયા અને તેમના પતિએ મીરા ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારમાં સાર્વજનિક શૌચાલયના નિર્માણમાં ૧૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.
મેધા સોમૈયાએ શિવસેના સાંસદને જવાબ આપતા કહ્યું હતું કે સંજય રાઉત દ્વારા કરવામાં આવેલા આરોપો પાયાવિહોણા અને અપમાનજનક છે. તે મારી છબી ખરાબ કરવા માટે આવા નિવેદનો કરી રહ્યા છે. તેમણે શિવસેના સાંસદની માફી માંગવાની વાત કરી હતી અને જો તે આમ નહીં કરે તો સંજય રાઉત સામે માનહાનિનો કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. હાલમાં સંજય રાઉતે આ મુદ્દે મેધા સોમૈયાની માફી માંગી નથી, જે બાદ તેમણે બોમ્બે હાઈકોર્ટમાં શિવસેનાના સાંસદ વિરુદ્ધ ૧૦૦ કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
તમને જણાવી દઈએ કે સંજય રાઉતે તાજેતરમાં મેધાના પતિ અને પૂર્વ બીજેપી સાંસદ કિરીટ સોમૈયા પર આઇએનએસ વિક્રાંત કેસમાં કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું ક આઇએનએસ વિક્રાંતને જંકમાં જતા બચાવવા માટે ભાજપના નેતાએ જનતા પાસેથી દાન માંગ્યું હતું. આ દાનમાંથી તેમણે ૫૭ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. પરંતુ જે કામ માટે દાન એકઠું
કરવામાં આવ્યું હતું તે કામ પૂર્ણ થયું ન હતું અને કિરીટ સૌમૈયાએ આ પૈસા રાજ્યપાલ પાસે જમા કરાવવાને બદલે પાર્ટી ફંડમાં જમા કરાવ્યા હતા. કિરીટ સોમૈયાએ ખોટું બોલીને જનતા પાસેથી પૈસા લીધા હતા.
સંજય રાઉતે કહ્યું હતું કે સોમૈયાએ એક પ્રકારનું રાષ્ટ્ર વિરોધી કૃત્ય કર્યું છે. મહારાષ્ટ્રની જનતા આવા લોકોને માફ નહીં કરે. બહુ જલ્દી તે જેલમાં જશે. બીજી તરફ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ સંજય રાઉતને જવાબ આપતા કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સરકાર ગુંડાગીરી કરે છે, કૌભાંડો કરે છે અને સહી વગર એફઆઈઆર નોંધે છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા ૧૨ મહિનાથી ભાજપ સતત ઉદ્ધવ ઠાકરે સરકારના કૌભાંડોને ઉજોગર કરી રહી છે, જેના કારણે શિવસેના અને તેના નેતાઓ ગુસ્સે છે. તાજેતરમાં ખાર પોલીસ સ્ટેશન પાસે શિવસૈનિકોએ કિરીટ સોમૈયાના વાહન પર પથ્થરમારો કર્યો હતો, જેમાં તેમને સામાન્ય ઈજોઓ થઈ હતી.