ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને તેમાં તેમણે કોંગ્રેસના કોઈ નેતાને ભાજપમાં નહીં લેવાની વાત કહી હતી. ત્યારે હવે પાટીલના આ નિવેદનને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જ્યારે સી.આર. પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા તે સમયે પણ પાટીલે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસના નેતાને ભાજપમાં લેવામાં આવશે નહીં. હવે ફરીથી આ નિવેદન આપવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે, રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ૭ જેટલા ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખના આ નિવેદનને લઇને કોંગ્રેસના ગુજરાત પ્રભારીએ નિવેદન આપ્યું હતું.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો ઓરીજનલ ચહેરો તો આખા દેશે જોયો છે. ગોવામાં તેમની સરકાર કેઈ રીતે બની. બીજી પાર્ટીના નેતાઓને ખરીદીને, લોકતંત્રની ગળું દબાવીને, આખા દેશમાં સરકાર બનાવી રહ્યા છો. કર્ણાટકમાં ચૂંટાયેલી સરકાર પાડી દીધી, મધ્યપ્રદેશમાં ચૂંટાયેલી સરકાર પાડી દીધી. અહીં ૧૫ ધારાસભ્યો વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસના નિશાન પર ચૂંટણી જીત્યા હતા તેને તોડીને તમારા પક્ષની સાથે જોડી દીધા. અમારે ત્યાં એક કહેવત છે કે, ૧૦૦-૧૦૦ ઉંદર ખાઈને બિલાડી હજ ચાલી. તેમના મોઢામાંથી આ વાતો સારી લાગતી નથી. આ લોકો તો લોકતંત્રનું ગળું દબાવવાવાળા લોકો છે. તેમનો વિશ્વાસ લોકતંત્રમાં નથી અને તેમની પાસે જનાદેશ નથી હોતો તો પણ તેમની ઈચ્છા રહે છે કે આપણે તોડજોડ કરીને, ખરીદી કરીને સરકાર બનાવી લઇએ. તેમને સત્તાથી પ્રેમ છે લોકતંત્રથી પ્રેમ નથી.
કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં જઈ શકે છે. આ બાબતની ચર્ચા છેલ્લા બે દિવસથી ચાલી રહી છે. સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને લઇને આ વાત ચર્ચામાં આવી હતી. પણ હવે પાટીલે સ્પષ્ટ કહ્યું છે કે, અમે કોઈ કોંગ્રેસી નેતાને લેવા માટે તૈયાર નથી.
આ બાબતે કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા જ્યારે તેમની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઇ ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, કોઈ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જોકે, ત્યારબાદ જ કોંગ્રેસના ૮ ધારાસભ્યો ભાજપમાં ગયા.