અંતિમ દોરનો પ્રચાર ગુજરાતમાં ચાલી રહ્યો છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા માટે યુદ્ધના ધોરણે મહેનત કરી રહી છે. રાજ્યભરમાં ક્ષત્રિયોનું આંદોલન ભાજપના વિરોધમાં ચાલી રહ્યું છે. ક્ષત્રિયો ખુલ્લીને ભાજપના વિરોધમાં મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. ત્યાં હવે ભાજપના સમર્થનમાં ક્ષત્રિય સંમેલનો શરૂ થયા છે.
પરશોત્તમ રૂપાલાના એક નિવેદનથી શરૂ થયેલો વિવાદ સમાવવાનું નામ નથી લઈ રહ્યો છે. ૩ મેના દિવસે જામનગરમાં વિશાળ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું. જેમાં મોટી સંખ્યા ક્ષત્રિયોએ હાજર રહી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સંકલ્પ લીધા. તો હવે ભાજપના સમર્થનમાં ભાવનગરમાં ક્ષત્રિયોનું એક સંમેલન મળ્યું હતું.જેમાં તમામ ક્ષત્રિયોએ ભાજપ સાથે હોવાનો દાવો કર્યો. આ સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ ભારતીબેન શિયાળ અને ક્ષત્રિય સમાજના આગેવાન વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનને સંબોધિત કરતાં વજુભાઈ વાળાએ દાવો કર્યો કે, ક્ષત્રિય સમાજમાં કોઈ રોષ નથી.
ક્ષત્રિયોમાં અનેક અલગ અલગ જ્ઞાતિઓ આવે છે. ભાવનગરમાં જે સંમેલન મળ્યું હતું તે કારડિયા રાજપૂત સમાજનું મળ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ કરીને ભાજપની સાથે હોવાનો દાવો કર્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજનો આભાર માન્યો હતો. તો આટલી મોટી સંખ્યામાં સંમેલન યોજવા માટે ક્ષત્રિય આગેવાનોનો પણ આભાર માન્યો હતો.
તો ક્ષત્રિય સમાજના જે સંમેલનમાં પરશોત્તમ રૂપાલાએ પોતાના વિવાદીત નિવેદન પછી માફી માગી હતી. તેવું જ વધુ એક સંમેલન ૫ મેના દિવસે ગોંડલમાં યોજાવાનું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશસિંહ જાડેજાના નેતૃત્વમાં આ સંમેલન મળવા જઈ રહ્યું છે. જેમાં ગરાસિયા રાજપૂત, કાઠી દરબાર, કારડિયા રાજપૂત, નાડોદા રાજપૂત, સોરઠિયા રાજપૂત અને ખાંટ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટશે તેવો દાવો કરવામાં આવ્યો છે. રૂપાલાવાળો વિવાદ થયો ત્યારથી આજદીન સુધી જયરાજસિંહ જાડેજા ખુલ્લીને ભાજપના સમર્થનમાં રહ્યા છે. સમાધાન માટે સૌથી પહેલાં પહેલ પણ તેમણે જ કરી હતી. સમાજનું એક સંમેલન બોલાવ્યું હતું અને તેમાં રૂપાલાએ માફી પણ માગી હતી. જો કે ત્યારપછી પણ વિવાદ અટક્યો નહોતો અને આંદોલન યથાવત્ રહ્યું હતું. હવે જાવાનું રહેશે કે ૫ મેના દિવસે ફરી આ સંમેલન મળવા જઈ રહ્યું છે ત્યારે તેમાં શું થાય છે?
તો ક્ષત્રિયોના વિરોધને કારણે ભાજપના નેતાઓને અનેક જગ્યાએ કડવા અનુભવ થઈ રહ્યા છે. ક્ષત્રિયોએ ભાજપની સભાઓમાં આવીને કાર્યક્રમો બંધ કરાવ્યા છે. ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાને પણ ક્ષત્રિયોના વિરોધનો કડવો અનુભવ થયો. ધોરાજીના ઝાંઝમેર ગામમાં પહોંચેલા બોઘરાને ક્ષત્રિય સમાજના લોકોએ ગામમાં જતાં અટકાવ્યા હતા. જેના કારણે પ્રચાર વગર જ બોઘરાએ પરત ફરવું પડ્યું હતું. વિરોધનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતમાં ૭ મેના દિવસે મતદાન થવાનું છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં નવા નવા રંગ ઉમેરાતા જઈ રહ્યા છે. ક્ષત્રિયોનો ભાજપ સામેનો વિરોધ ભાજપને કેટલી અસર કરી શકે છે તે જોવું રહ્યું.