(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨૧
ભાજપ આ વર્ષે ૪ રાજ્યો (મહારાષ્ટ, ઝારખંડ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર)ની વિધાનસભા ચૂંટણી સુધી જે.પી. નડ્ડા ને અધ્યક્ષ તરીકે રાખી શકે છે.આ ચૂંટણીને હજુ ૬ મહિના બાકી છે. નડ્ડા કેન્દ્રીય મંત્રી પણ છે, તેથી કોઈ પણ મહાસચિવને દૈનિક પ્રવૃત્તિઓ માટે કાર્યકારી અધ્યક્ષ બનાવશે. સુનીલ બંસલ અને વિનોદ તાવડેનું નામ મોખરે છે. નડ્ડાનો કાર્યકાળ આ વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થયો છે.લોકસભા ચૂંટણી માટે જૂન સુધીનો સમયગાળો લંબાવાયો હતો. જુલાઇમાં પાર્ટીએ નવા પ્રમુખની પસંદગી કરવાની હતી. પરંતુ ભાજપના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે નવા પ્રમુખની ચૂંટણી પહેલાં સંગઠનાત્મક ચૂંટણીઓ જરૂરી છે. તેમાં ૬ મહિના સમય લાગી શકે છે.સૂત્રોનું કહેવું છે કે જેને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી મળશે તેને ભવિષ્યમાં અધ્યક્ષ બનાવી શકાય છે. પાર્ટી અધ્યક્ષનો કાર્યકાળ ૩ વર્ષનો હોય છે. તેથી નવા અધ્યક્ષ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૫ની બિહાર, ૨૦૨૬ની પશ્ચિમ બંગાળ અને ૨૦૨૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પૂરતા સમયમાં તેમની નવી ટીમ બનાવી શકે છે. બીજી તરફ, જ્યારે ૨૦૨૮માં નવા સ્પીકરને પસંદ કરવાનો સમય આવશે ત્યારે તેમને ૨૦૨૯ લોકસભા ચૂંટણીની તૈયારી કરવા માટે લગભગ દોઢ વર્ષનો સમય મળશે.