મોગામાં એક રેલી દરમિયાન પંજાબીઓનું સ્વાગત કર્યા પછી, કેન્દ્રીય મંત્રી અમિત શાહે ફેબ્રુઆરી ૨૦૨૭ ની પંજાબ વિધાનસભા ચૂંટણી એકલા લડવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે અમે નાના ભાઈઓ તરીકે પંજાબ આવ્યા છીએ અને પંજાબીઓના આશીર્વાદથી, ભાજપ અહીં સરકાર બનાવવા માટે ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહી છે. મંચ પરથી શાહના નિવેદનથી શિરોમણી અકાલી દળ (એસએડી) અને ભાજપ વચ્ચે ચૂંટણી પૂર્વેના જાડાણ અંગેની અટકળોનો લગભગ અંત આવી ગયો છે.
દરમિયાન, શિરોમણી અકાલી દળના પ્રમુખ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર બાદલે શાહના રાજકીય સંકેતો પર કટાક્ષપૂર્ણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચૂંટણીમાં ભાજપનું સ્વાગત છે. ભાજપ લાંબા સમયથી પંજાબના રાજકારણમાં પગપેસારો કરવા માટે સંઘર્ષ કરી રહી છે. ભાજપે અકાલી દળ સાથે જાડાણમાં લાંબો સમય વિતાવ્યો. આ ગઠબંધને ૨૦૦૭ થી ૨૦૧૭ સુધી સતત બે ટર્મ માટે રાજ્યમાં સરકાર બનાવી. ૨૦૨૨ ની ચૂંટણી પહેલા, બંને પક્ષોના રાજકીય રસ્તા અલગ થઈ ગયા. છેલ્લી ચૂંટણીમાં પણ એસએડી ને મોટો ફટકો પડ્યો, જે ઘટીને ત્રણ બેઠકો પર આવી ગઈ.
હવે, એસએડી આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન કરવા માંગે છે.એસએડી નેતાઓનો દાવો છે કે પાર્ટી એવા રાજકીય પક્ષો (કોંગ્રેસ અને આપ સિવાય) સાથે ગઠબંધન કરવા તૈયાર છે જે પંજાબ અને પંજાબીઓના હિત પર તેમની સાથે સંમત થાય છે.
આ રાજકીય સંકેતો સમજ્યા પછી સુખબીર બાદલ થોડા નારાજ દેખાય છે. ભાજપને પડકાર ફેંકતા, સુખબીરે ૧૦૦ બેઠકો પર એસએડી માટે જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે એસએડી સિદ્ધાંતો ધરાવતો પક્ષ છે. ચૂંટણી મેદાનમાં કેવી રીતે ઉતરવું તે નક્કી કરવાનું તમામ પક્ષોનું છે. તેથી, અમે ચૂંટણીમાં અમારા હરીફ તરીકે ભાજપનું સ્વાગત કરીએ છીએ. એસએડીએ એકલા લોકસભા ચૂંટણી પણ લડી હતી. બાદલે કહ્યું, “દિલ્હીના પક્ષોને પંજાબ અને પંજાબીઓના હિત સાથે કોઈ લેવાદેવા નથી; તેઓ અહીં ફક્ત શાસન કરવા માટે આવે છે.”
પંજાબ ભાજપ પ્રમુખ સુનીલ જાખર અને ભૂતપૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ ચૂંટણી પહેલા શિરોમણી દળ સાથે ગઠબંધનના પક્ષમાં હતા. તેઓ માનતા હતા કે ભૂતકાળની જેમ અકાલી દળ અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી શકે છે, પરંતુ ભાજપનો એક વર્ગ ગઠબંધનનો વિરોધ કરી રહ્યો હતો. આ મામલો હાઇકમાન્ડ સુધી પહોંચ્યો. આનાથી સંકેત મળ્યો કે ભાજપ આ વખતે પણ પંજાબની ચૂંટણી એકલા લડશે, અને અમિત શાહે હવે મોગા રેલીમાં આવા જ સંકેતો આપ્યા છે.