ગુજરાતમાં કોંગ્રેસને છે મહિના બાદ નવા પ્રદેશ પ્રમુખ મળતા અમદાવાદના રાજીવ ગાંધીભવન ખાતે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જગદીશ ઠાકોર પદગ્રહણ કરે તે પહેલાં તેમના ફોટા સાથેની કેક કાપી હતી. આ ઉત્સવના માહોલ વચ્ચે કોંગ્રેસના ત્રણેય પૂર્વ પ્રમુખના મોઢા પડેલા દેખાયા હતા. તસવીરમાં જ્યાં જગદીશ ઠાકોરના ફોટાવાળી કેક મુકવામાં આવી હતી ત્યાં ખુશીની જગ્યાએ ત્રણેય પૂર્વ પ્રમુખોના ચહેરા પર નિરાશા જોવા મળી હતી. બીજીતરફ જેવા જગદીશ ઠાકોર કેક કાપવા આવ્યાં અને હાર્દિક પટેલની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ત્રણેય પૂર્વ કોંગ્રેસ પ્રમુખો ત્યાંથી રવાના થઈ સ્ટેજ પર જતાં રહ્યાં હતાં. આમ કોંગ્રેસમાં જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવવા પર નારાજગી અને જૂથવાદ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કાર્યકારી પ્રમુખ પણ હાજર રહ્યા હતા. થોડીવાર બાદ જગદીશ ઠાકોર કેક કાપવા માટે પહોંચ્યા પરંતુ હાર્દિક પટેલ હજુ પહોંચ્યા ન હતા જેથી ૫ મિનિટ સુધી તેમની રાહ પણ જોવામાં આવી હતી. તે સમયે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ અને ભરતસિંહ સોલંકી કેક કટિંગ થાય તે પહેલા સ્ટેજ પર જતાં રહ્યાં હતાં.
ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જોણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. દેહગામ વિધાનસભા બેઠક પરથી ૨૦૦૨થી ૨૦૦૭ અને ૨૦૦૭થી ૨૦૦૯ સુધી ધારાસભ્ય રહ્યા છે. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યને પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ૨૦૦૯થી ૨૦૧૪ સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.
૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસમાં આગમન થતાં જ જગદીશ ઠાકોર હાંસિયામાં ધકેલાઈ ગયાં હતાં. ઠાકોરે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં સાબરકાંઠા પ્રભારી તથા કોર કમિટીમાંથી તેમણે રાજીનામું આપી દીધું હતું. તેમણે ભરતસિંહ સોલંકી તથા શંકરસિંહ વાઘેલાની કાર્યપદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. તે ઉપરાંત એ સમયે લોકસભાની ચૂંટણીની ટિકીટ ફાળવણીથી પણ તેઓ નારાજ થયા હોવાનું પણ રાજકીય સુત્રોમાં ચર્ચાસ્થાને હતું. તેમણે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી લડવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેઓ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની આંતરિક ખેંચતાણને લીધે નારાજ થયાં હતાં.
સમારોહમાં હાર્દિક પટેલે કહ્યું, નરેશ ભાઈ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. સમાજના કામ કર્યા છે. રાજકારણમાં આવી અને કામ કરવા ઇચ્છતા હોય તો દરવાજો ખુલ્લાં છે. નરેશભાઈ કોંગ્રેસમાં આવવા માગે તો પાર્ટી લાલજોજમ બિછાવવા તૈયાર છે.બે દિવસ પહેલા પણ જગદીશભાઈ ઠાકોરે કહ્યું હતું કે, નરેશભાઈ રાહુલ ગાંધી કે અશોક ગહેલોતને મળ્યા હોય તો એમાં ખોટુ નથી. નરેશભાઈ કોંગ્રેસમાં આવશે તો કાર્યકર્તા અને હોદ્દેદાર રાજી થશે. એક એક વ્યક્તિ પાર્ટીમાં આવશે એમ ટીપે ટીપે સરોવર ભરાય એમ પાર્ટી આગળ આવશે. નરેશભાઈ સ્વતંત્ર રીતે નિર્ણય લેશે એ ગમશે. નરેશભાઈ સૌરાષ્ટ્રમાં સમાજમાં સક્રીય છે.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ઓફિસની બહાર જગદીશ ઠાકોરના નામનુ બોર્ડ પણ લાગી ગયું છે. આ સમારોહમાં હાર્દિક પટેલે નરેશ પટેલને કોંગ્રેસમાં આવવા માટે પાર્ટી લાલજોજમ બિછાવવા તૈયાર હોવાનું કહ્યું હતું.