ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ રવિવારે જમ્મુ અને કાશ્મીરમાં આગામી રાજ્યસભા ચૂંટણીઓ માટે તેના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા. પાર્ટીએ ગુલામ મોહમ્મદ મીર, રાકેશ મહાજન અને સતપાલ શર્માને નામાંકિત કર્યા છે.સતપાલ શર્મા હાલમાં જમ્મુ અને કાશ્મીર ભાજપ એકમના પ્રમુખ તરીકે તેમનો બીજા કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. તેઓ અગાઉ ૨૦૧૫ થી ૨૦૧૮ સુધી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. ૨૦૧૮ માં, તેમણે તત્કાલીન મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના મંત્રીમંડળમાં મંત્રી તરીકે પણ સેવા આપી હતી.રાકેશ મહાજન હાલમાં ભાજપના રાજ્ય ઉપાધ્યક્ષ છે, જ્યારે ગુલામ મોહમ્મદ મીરે ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં હંદવારા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જેમાં નેશનલ કોન્ફરન્સના નેતા સજ્જાદ ગની લોન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.જમ્મુ અને કાશ્મીરમાં શાસક નેશનલ કોન્ફરન્સે શુક્રવારે ૨૪ ઓક્ટોબરે યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે તેના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા અને જણાવ્યું હતું કે ચોથી બેઠક માટે કોંગ્રેસ સાથે વાતચીત ચાલી રહી છે.બીજી તરફ, નેશનલ કોન્ફરન્સે પણ તેના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ ચૌધરી મોહમ્મદ રમઝાન, સજ્જાદ અહેમદ કિચલૂ અને શમ્મી ઓબેરોયને નામાંકિત કર્યા છે. પાર્ટીના સલાહકાર નાસિર અસલમ વાનીએ જણાવ્યું હતું કે ચોથી બેઠક માટે ઉમેદવારનું નામ એક કે બે દિવસમાં જાહેર કરવામાં આવશે.આ દરમિયાન તેમણે પાર્ટી પ્રમુખ ફારુક અબ્દુલ્લા રાજ્યસભાની ચૂંટણી લડશે તેવી અટકળોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, “ફારુક સાહેબે પોતે જ નક્કી કર્યું છે કે તેમણે હાલ પૂરતું જમ્મુ અને કાશ્મીરમાં રહેવું જાઈએ. અમે એમ પણ માનીએ છીએ કે તેમનો અનુભવ અને માર્ગદર્શન અહીં વધુ ઉપયોગી થશે.”જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યસભાની ચાર બેઠકો ફેબ્રુઆરી ૨૦૨૧ થી ખાલી છે, જ્યારે ગુલામ નબી આઝાદ, મીર મોહમ્મદ ફયાઝ, શમશેર સિંહ અને નઝીર અહેમદ લાવેનો કાર્યકાળ સમાપ્ત થયો હતો. આ ચાર બેઠકો માટે મતદાન હવે ૨૪ ઓક્ટોબરના રોજ થવાનું છે.









































