એસ.ટી. નિગમ દ્વારા દોઢ વર્ષમાં ૨૮૦૦ બસોની ખરીદીને વાહવાહી કરતી ભાજપા સરકાર દ્વારા ૪ વર્ષ જેટલો લાંબો સમય થવા છતાં એક પણ ડ્રાઈવર – કંડક્ટરની ભરતી શા માટે કરવામાં આવી નથી ? ગુજરાતના યુવાનોને તક થી વંચિત રાખવા માટે જવાબદાર સામે પગલા ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડા. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમ દ્વારા વારંવારની રજુઆત બાદ વર્ષ ૨૦૨૩માં જાહેરાત આપવામાં આવી જેમાં ૧,૫૦,૦૦૦ જેટલા યુવાનોએ કંડક્ટર માટે અને ૮૦,૦૦૦ જેટલા યુવાનોએ ડ્રાઈવર માટે અરજી કરી છે. છેલ્લા ૪ વર્ષ જેટલો લાંબો સમય પસાર થવા છતાં એસ.ટી. નિગમે એક પણ ડ્રાઈવર કંડક્ટરની ભરતી કરેલ નથી. બસ ચલાવવા માટે ડ્રાયવર / કંડક્ટરની ઉપલબ્ધી ન હોય તો બસોનું સંચાલન ઠપ થઈ જાય. જેનાથી મુસાફર જનતાને ખુબજ મુશ્કેલીમાં મુકાવું પડે. એસ.ટી. નિગમે મંજુરી મળેલ હોવા છતાં છેલ્લાં ૪ વર્ષથી ડ્રાયવર / કંડક્ટરની ભરતી ક્યા કારણોસર નથી કરી તે ખુબ જ ગંભીર બાબત છે. નિગમે બસો તથા તેને સંલગ્ન સ્પેર પાર્ટની ખરીદી સતત ચાલુ રાખી. પરંતુ બસોના સંચાલન માટે પાયાની જરૂરિયાત વાળા ડ્રાયવર / કંડક્ટરની ભરતી ન કરી. નિગમમાં ભરતી પ્રક્રિયા માટે આખો એક વિભાગ કાર્યરત છે. જેમાં અધિકારી / કર્મચારીઓ કાર્યરત હશે. તેમની પાસે નિગમે છેલ્લાં ૪ વર્ષ સુધી કઈ કામગીરી લીધી તે એક તપાસનો વિષય છે. નિગમે ભરતી ન કરવાની પોતાની નિસ્ક્રીયતા છુપાવવા તા. ૧૭/૦૨/૨૦૨૪ ના રોજ એક પ્રેસ નોટ જારી કરી નિગમના નિવૃત્ત ડ્રાયવર / કંડક્ટરોને કરારના ધોરણે નિમણુંક આપવાની કાર્યવાહી ચાલુ કરેલ છે. રાજ્યમાં એક બાજુ ડ્રાયવર / કંડક્ટરની લાયકાત ધરાવનાર લાખ્ખો ઉમેદવારો નોકરી મેળવવા લાઈનમાં ઉભા છે. જ્યારે બીજી બાજુ સરકારના એસ.ટી. નિગમે છેલ્લાં ચાર ચાર વર્ષથી ભરતી પ્રક્રિયા હાથ ન ધરી હજારો ઉમેદવારોના ભાવીને અંધકારમાં ધકેલી દીધો છે. કારણ કે આ સમય દરમ્યાન જેમની ઉંમર પુર્ણ થઈ જવા પામેલ હશે તેવા ઉમેદવારો હવે નોકરીથી વંચિત રહી પોતાનું જીવન મુશ્કેલીમાં વિતાવશે.
એસ.ટી. નિગમે પોતે છેલ્લાં ૪ વર્ષથી ભરતી પ્રક્રિયા ન કરી તે બાબત છુપાવવા નિવૃત્ત ડ્રાયવર / કંડક્ટરને નિમણુંકો આપવાનું ચાલુ કરેલ છે. પરંતુ તે અતિ ગંભીર બાબત છે. કારણ કે ડ્રાયવર કક્ષાનો કર્મચારી ૫૮ વર્ષની ઉંમર વટાવે પછી તેની આંખો નબળી પડતી હોય છે અને પોતાના શરીરની કાર્યક્ષમતા પણ ઓછી થતી હોઈ સરકારી નિયમો પ્રમાણે તેમને સેવામાંથી નિવૃત્ત કરવામાં આવ્યા હોય છે. પરંતુ એસ.ટી. નિગમ નિવૃત્ત વ્યક્તિઓના હાથમાં ૫૦ થી ૬૦ મુસાફરોની જીંદગી દાવ પર લગાવી રહેલ છે. જેનાથી ક્યારેક કોઈ અકસ્માત થાય પ્રજાજનોને ઈજા થાય કોઈનું મૃત્યુ થાય તો તેના માટે જવાબદાર કોણ ?
આ સમય દરમ્યાન નિગમના વડા તરીકે રહેલ આઈ.એ.એસ. શ્રી ગાંધી કે જેઓને નિવૃત્તી પહેલાં સરકારશ્રીએ રેરા ખાતે પુનઃ નિયુક્ત પણ આપી દીધેલ છે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, શ્રી ગાંધી એ છેલ્લા ૨ થી ૩ વર્ષમાં નિગમના ભરતી વિભાગ સાથે સંકળાયેલ અધિકારી / કર્મચારીઓ પાસેથી શું કામગીરી લીધી ? કેવા કારણોસર ભરતી પ્રક્રિયા ન કરી ? આવા અનેક ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. એસ.ટી. નિગમના વડાની નિષ્કાળજીના કારણે આજે લાખ્ખો લાયકાતવાળા ડ્રાયવર / કંડક્ટર નોકરીની રાહમાં છે. બીજી બાજુ નિવૃત્ત ડ્રાયવરના હાથમાં મુસાફર જનતાની જીંદગી જોખમમાં મુકવાનો સમય આવ્યો છે તથા નિગમના ભરતી સેલના અધિકારી / કર્મચારીઓ પાસેથી છેલ્લા ચાર વર્ષોમાં કઈ કઈ કામગીરી લઈ લાખ્ખો રૂપિયાનો પગાર ચુકવાયો હશે. આ તમામ બાબતો માટે જવાબદાર કોણ ? તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ છે.