ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં બધુ સમુસુતરુ નથી. ખાસ કરીને સાંસદ મનસુખ વસાવા પાર્ટીના નિર્ણયો સામે અવારનવાર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લા ભાજપના નવા વરાયેલા પ્રમુખ પ્રકાશ મોદીએ ઝઘડિયા અને વાલિયા તાલુકા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરતાંની સાથે સાંસદ રોષે ભરાયા છે.

મનસુખ વસાવાએ સોશિયલ મિડીયા પર નવા પ્રમુખની શાબ્દીક ઝાટકણી કાઢતી પોસ્ટ મૂકતાં જ રાજકારણમાં ગરમાવો ઊભો થયો છે. ખાસ તો જે ઝઘડિયા અને વાલિયામાં મહામંત્રીની નિમણૂક કરી આપ અને કોંગ્રેસમાંથી આવેલ લોકોને હોદ્દા આપી દેતા ભાજપના કાર્યકર્તા અને સાંસદ નારાજ થયા છે.

બીજી બાજુ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું કહેવું છે કે, ઝઘડિયા અને વાલિયા તાલુકાના સંગઠનમાં સમાજના તમામ લોકોને હોદ્દા આપવામાં આવ્યા છે. અમે સાથે મળીને પાર્ટીનો વિકાસ કરીશું. બંને તાલુકાના સંગઠનમાં નવા નિમણૂક પામેલા આગેવાનોએ મારી મુલાકાત પણ લીધી છે અને અને વિગતવાર ચર્ચા પણ કરી છે.જોકે આ બાબતે ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદને કીધું કે આપણે એક થઈને આનું નિરાકરણ લાવીએ પરંતુ ધારાસભ્ય અને સાંસદ ભેગા થતા નથી. આમ, ભરૂચમાં ભાજપના જ નેતાઓ એકબીજા પર વિશ્વાસ ન મુકતા હોય તેમ લાગી રહ્યું છે જેને કારણે ભાજપમાં જ વિખવાદ જોવા મળી રહ્યો છે.