ભાજેપે એસટી સોમશેખર અને એ શિવરામ હેબ્બરને હાંકી કાઢ્યા છે. એક મોટી શિસ્તભંગની કાર્યવાહી કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તેના કર્ણાટકના બે ધારાસભ્યો – એસટી સોમશેખર અને એ શિવરામ હેબ્બરને છ વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢ્યા છે.
અહેવાલ મુજબ ભાજપના કર્ણાટક એકમના પ્રમુખ બીવાય વિજયેન્દ્રએ જણાવ્યું હતું કે બંને ધારાસભ્યોને તેમની કથિત પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે હાંકી કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભાજપ હાઇકમાન્ડે લાંબા વિચાર-વિમર્શ પછી આ નિર્ણય લીધો છે. એસટી સોમશેખર કર્ણાટક વિધાનસભામાં યશવંતપુરનું પ્રતિનિધિત્વ કરે છે અને એ શિવરામ હેબ્બર યેલાપુરનું પ્રતિનિધિત્વ કરે છે.
પાર્ટીની કેન્દ્રીય શિસ્ત સમિતિના સભ્ય સચિવ ઓમ પાઠકે પણ હેબ્બરને એક સત્તાવાર પત્ર મોકલ્યો છે. તેમના મતે પાર્ટી શિસ્તના વારંવાર ઉલ્લંઘનને કારણે આ મોટું પગલું લેવામાં આવ્યું છે. પત્રમાં જણાવાયું છે કે તેમને તાત્કાલિક અસરથી હાંકી કાઢવામાં આવ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “પક્ષની કેન્દ્રીય શિસ્ત સમિતિએ ૨૫ માર્ચ, ૨૦૨૫ ના આપવામાં આવેલી કારણદર્શક નોટિસના તમારા જવાબ પર વિચાર કર્યો છે અને પાર્ટી શિસ્તના વારંવાર ઉલ્લંઘનને ગંભીરતાથી લીધું છે.”
વધુમાં કહેવામાં આવ્યું છે કે, “તે મુજબ તમને તાત્કાલિક અસરથી ૬ વર્ષ માટે પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલમાં તમને પાર્ટીના કોઈપણ પદ પરથી દૂર કરવામાં આવે છે.” અગાઉ આ વર્ષે માર્ચમાં ભાજપે પાર્ટીના ધારાસભ્ય બસંગૌડા પાટિલ યત્નલને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
જાકે બંને ધારાસભ્યો ભાજપ સરકારમાં મંત્રી હતા, પરંતુ કોંગ્રેસ સત્તામાં આવ્યા પછી હેબર અને સોમશેખરે પાર્ટીથી અલગ થઈ ગયા હતા. તેઓ પહેલા કોંગ્રેસમાં હતા અને ૨૦૧૯ માં ‘ઓપરેશન લોટસ’ દરમિયાન ભાજપમાં જાડાયા હતા.