આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપમાં જોડાવાની ચર્ચાઓને ખોટી અફવા ગણાવી પ્રેસ કોન્ફરન્સમાં જાહેરમાં ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે, “હું ભાજપમાં જોડાવાનો નથી અને આવી ફેક ન્યૂઝ ફેલાવનારા સામે પાર્ટી સાથે ચર્ચા કરીને કાયદાકીય પગલાં લઈશું.”

“મને રાજકીય નુકશાન પહોંચાડવા માટે આવી અફવાઓ ઉડાવવામાં આવી રહી છે,” તેમ ઉમેશભાઈએ સ્પષ્ટતા કરી હતી. “વિધાનસભા સત્રમાં સૌથી વધુ મુદ્દાઓ મેં ઉઠાવ્યા છે. આવી અફવાઓના બદલામાં હવે હું પોતાનું નવું સંગઠન પણ બનાવવાની તૈયારીમાં છું,” તેમ પણ તેમણે ઉમેર્યું હતું. સંગઠન સંબંધિત સંકેત આપતાં તેમણે જણાવ્યું કે, બોટાદ વિસ્તારમાં નવું સંગઠન બનાવવામાં આવશે અને તે દરમિયાન બધા કાર્યકરોને વિશ્વાસમાં લેવામાં આવશે.

વિસાવદરની ચૂંટણી વિશે ઉલ્લેખ કરતાં ઉમેશભાઈએ કહ્યું કે, “હું હેલ્થના કારણે હાજર રહી શક્યો નહોતો અને આ અંગે મેં પાર્ટીને અગાઉથી જાણ કરી હતી.”

તેમણે વધુમાં કહ્યું કે, “મારા પર ઘણી વાર અફવાઓ ફેલાઈ છે. જ્યારે હું પહેલી વાર ધારાસભ્ય બન્યો ત્યારે પણ આવી જ ખોટી વાતો ચાલી હતી. પણ આજે પણ હું આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય છું અને આવતીકાલે પણ રહીશ. મારું ધ્યાન આજે પણ ખેડૂતો, બેરોજગારી જેવા મુદ્દાઓ પર છે. ખોટી અફવાઓ ફેલાવવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું કે ગઈકાલે ઘણા ફોન કોલ્સ આવ્યા હતા, પણ તેઓ હોસ્પિટલમાં પત્ની સાથે હતા તેથી જવાબ આપી શક્યા નહોતા.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સહપ્રભારી ગુલાબસિંહ યાદવે કહ્યું કે, “ગઈકાલ સાંજથી ફેલાતી અફવા ખોટી છે. ઉમેશભાઈ પોતાના વિસ્તારમાં સૌથી વધુ પ્રશ્નો ઉઠાવનાર ધારાસભ્ય છે. તેમનું પાર્ટી સાથે સંપૂર્ણ સહમતીથી કાર્ય ચાલી રહ્યું છે.”

પાર્ટી પ્રભારી રાજેશ શર્માએ પણ ભારપૂર્વક કહ્યું કે, “વિસાવદરની ચૂંટણીઓ માટે અમે ખૂબ જ ઉર્જાથી કામ કરી રહ્યા છીએ. અમારી જીત સામે અન્ય પક્ષો બોખલાઈ ગયા છે, એટલે આવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.અંતમાં, સમગ્ર ઘટનાઓનો ખંડન કરીને આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય બંનેએ સ્પષ્ટતા કરી છે કે તેઓ પાર્ટી સાથે મજબૂતીથી જાડાયેલા છે અને આગામી ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીમાં છે.