નેશનલ ઇલેક્શન વોચે (એડીઆર)એ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કુલ ૧૯ રાજકીય પક્ષો દ્વારા પ્રાપ્ત નાણાં અને ખર્ચનું વિશ્લેષણ કર્યું હતું.પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ સહિત ૧૯ રાજકીય પક્ષોએ રૂ. ૧,૧૦૦ કરોડથી વધુ મેળવ્યા અને રૂ. ૫૦૦ કરોડથી વધુનો ખર્ચ કર્યો. આનો મોટો હિસ્સો સ્ટાર પ્રચારકો અને મુસાફરી ખર્ચ અને કમર્શિયલ પાછળ ખર્ચાયો છે
આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન, ભાજપને સૌથી વધુ ૬૧૧.૬૯૨ કરોડ રૂપિયા મળ્યા અને પાર્ટીએ ૨૫૨ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઇલેક્શન વોચના અહેવાલમાં જણાવાયું છે કે, એકંદરે, પાર્ટીએ મીડિયા જોહેરાતો સહિત પ્રચાર પર રૂ. ૮૫.૨૬ કરોડ અને સ્ટાર પ્રચારકો અને અન્ય નેતાઓના પ્રવાસ ખર્ચ પર રૂ. ૬૧.૭૩ કરોડ ખર્ચ્યા છે.
કોંગ્રેસને ૧૯૩.૭૭ કરોડ રૂપિયાની બીજી સૌથી વધુ રકમ મળી અને તેણે ૮૫.૬૨૫ કરોડ રૂપિયા ખર્ચ્યા. જેમાં પ્રચાર માટે રૂ. ૩૧,૪૫૧ કરોડ અને મુસાફરી ખર્ચના રૂ. ૨૦.૪૦ કરોડનો સમાવેશ થાય છે. ડીએમકેને ત્રીજી સૌથી વધુ રકમ રૂ. ૧૩૪ કરોડ મળી અને કુલ રૂ. ૧૧૪.૧૪ કરોડ ખર્ચ્યા. પાર્ટીએ પ્રચાર માટે રૂ. ૫૨.૧૪૪ કરોડ અને તેના સ્ટાર પ્રચારકો અને અન્ય નેતાઓના પ્રવાસ ખર્ચ માટે રૂ. ૨.૪૧૪ કરોડનો ખર્ચ કર્યો હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે ચૂંટણી દરમિયાન સીપીઆઇ(એમ)ને રૂ. ૭૯.૨૪૪ કરોડ,ટીએમસીને રૂ. ૫૬.૩૨૮ કરોડ, એઆઇએડીએમકેને રૂ. ૧૪.૪૬ કરોડ અને સીપીઆઇને રૂ. ૮.૦૫ કરોડ મળ્યા હતા.
જ્યાં સીપીઆઇ(એમ) એ કુલ રૂ. ૩૨.૭૪ કરોડ ખર્ચ્યા હતા, જેમાંથી રૂ. ૨૧.૫૦૯ કરોડ પ્રચાર પાછળ અને રૂ. ૧.૧૭૩ કરોડ પ્રવાસ ખર્ચ પર ખર્ચ્યા હતા. ચૂંટણી દરમિયાન AIADMKનો કુલ ખર્ચ રૂ. ૫૭.૩૩ કરોડ હતો અને તેમાંથી રૂ. ૫૬.૭૫૬ કરોડનો ખર્ચ પ્રચાર પર થયો હતો. રિપોર્ટ અનુસાર સીપીઆઇએ ચૂંટણીમાં ૫.૬૮ કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જેમાંથી ૩.૫૦૬ કરોડ રૂપિયા પ્રચાર પર ખર્ચવામાં આવ્યા છે.
નેશનલ ઇલેક્શન વોચે પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કુલ ૧૯ રાજકીય પક્ષો દ્વારા પ્રાપ્ત નાણાં અને ખર્ચનું વિશ્લેષણ કર્યું હતું.ભાજપ, કોંગ્રેસ, બસપા, એનસીપી, ટીએમસી, સીપીઆઇ(એમ),સીપીઆઇ,ડીએમકે,એઆઇએમઆઇએમ,સપા સહિત ૧૯ પક્ષોના ભંડોળ અને ખર્ચનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એડીઆરએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ૨૦૨૧માં આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી દરમિયાન ૧૯ રાજકીય પક્ષો દ્વારા એકત્ર કરાયેલ કુલ નાણાં ૧,૧૧૬.૮૧ કરોડ રૂપિયા હતા અને કુલ ખર્ચ ૫૧૪.૩૦ કરોડ રૂપિયા હતો