ગીરમાં ઈકો સેન્સીટીવ ઝોન બનાવવાને લઈને હર્ષદ રિબડિયા બાદ હવે ભાજપના દિલીપ સંઘાણીએ પણ વિરોધનો સૂર છેડ્યો છે. સંઘાણીએ ઈકો સેન્સીટિવ ઝોનને વિકાસ માટે નડતરરૂપ ગણાવ્યો. અને નિટોફિકેશન રદ કરવાની માગ કરી છે. તેમણે જણાવ્યુ કે ઈકો સેન્સીટીવ ઝોન વિકાસ માટે અવરોધ ઉભો કરે છે અને તેના કારણે ખેડૂતોને મુશ્કેલી આવી શકે છે. સંઘાણીએ આ મામલે સરકારને ફેર વિચારણા કરવા પણ જણાવ્યુ છે. તેમણે કહ્યુ કે આ બાબતે લોકોની માગનેતેઓ સરકાર સુધી જરૂરથી પહોંચાડશે.
દિલીપ સંઘાણીએ જણાવ્યુ કે ગ્રામ્ય વિકાસને અને ખેડૂતોને મુશ્કેલીમાં મુકે તેવી હાલ પ્રાથમિક માન્યતાઓ લોકોની છે અને મને પણ લાગે છે કે તેમા કોઈ ઉતાવળ ન કરવી જોઈએ. સરકારે આ નોટિફિકેશન રદ કરીને નિર્ણય પરત લેવો જોઈએ.
આપને જણાવી દઈએ કે ૨૫ સપ્ટેમ્બરે સરકારે એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કરતા નોટિફિકેશન જારી કર્યુ હતુ. જેમા ‘ગીર રક્ષિત વિસ્તાર’ની આજુબાજુના વિસ્તારને ‘ઈકો સેન્સીટીવ ઝોન’ જાહેર કર્યુ છે. જે અંતર્ગત ૧.૮૪ લાખ હેક્ટર વિસ્તારને ઈકો સેન્સીટિવ ઝોન આવરી લેવાશે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યુ કે હાલના ગીર રક્ષિત વિસ્તારની હદથી ૧૦ કિ.મી. વિસ્તારનો ઈકો સેન્સીટિવ ઝોનમાં સમાવેશ કરાયો છે. આ નવા ઝોનમાં જુનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના વિસ્તારનો સમાવેશ કરાશે. ત્રણ જિલ્લાના કુલ ૧૯૬ ગામ તેમજ ૧૭ નદીઓનો ઝોનમાં સમાવેશ કરાશે. નવીન ઝોનમાં ૨૪ હજાર હેક્ટરથી વધુ વન વિસ્તારનો સમાવેશ કરાયો છે. ૧.૫૯ લાખ હેક્ટર બિન જંગલ વિસ્તારનો પણ ઈકો સેન્સીટિવ ઝોનમાં સમાવેશ કરાશે.