મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહ દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમએ શરૂ કરી દીધી છે. આદિવાસી બાબતોના મંત્રી શાહે ૧૨ મેના રોજ એક ગામમાં ભાષણ દરમિયાન કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે ઘણો હોબાળો થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૩ સભ્યોની એસઆઇટીએ ઇન્દોર જિલ્લાના મહુ નજીક રાયકુંડા ગામમાં લોકોને મળવાનું શરૂ કર્યું છે, જ્યાં શાહે કર્નલ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી.

એસઆઇટીના વડા સાગર ઝોનના પોલીસ મહાનિરીક્ષક પ્રમોદ વર્મા છે, જ્યારે સ્પેશિયલ આર્મ્ડ ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક કલ્યાણ ચક્રવર્તી અને ડિંડોરીના પોલીસ અધિક્ષક વાહિની સિંહનો પણ ટીમમાં સમાવેશ થાય છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની એસઆઇટીની રચના કરવાનો આદેશ આપ્યો હતો. જે પછી ટીમ બનાવવામાં આવી. એસઆઇટીના સભ્યના જણાવ્યા અનુસાર, ગયા ગુરુવારે તપાસ શરૂ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે એસઆઇટીને ૨૮ મે સુધીમાં તેનો પહેલો સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્દેશ બાદ, માનપુર પોલીસે ૧૪ મેના રોજ શાહ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. મંત્રી વિજય શાહ દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર હાઈકોર્ટે સ્વતઃ નોંધ લીધી હતી. માહિતી આપતાં, ઇન્દોર પોલીસ અધિકારીએ જણાવ્યું કે એફઆઇઆર પહેલાથી જ એસઆઇટીને સોંપી દેવામાં આવી છે. જોકે, તેમણે એ જણાવ્યું ન હતું કે મંત્રી શાહની પૂછપરછ ક્્યારે કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે કામ કરી રહ્યા છીએ અને થોડા દિવસ ઇન્દોરમાં રહીશું.

શાહ પર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૨ (ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા માટે પ્રતિકૂળ કૃત્યો), ૧૯૬ (૧) (બી) (વિવિધ સમુદાયો વચ્ચે સુમેળ જાળવવા માટે પ્રતિકૂળ કૃત્યો, જે જાહેર શાંતિનો ભંગ કરે છે અથવા થવાની સંભાવના છે) અને ૧૯૭ (૧) (સી) (વિવિધ સમુદાયો વચ્ચે સુમેળ જાળવવા માટે પ્રતિકૂળ રીતે કોઈપણ સમુદાયના સભ્યનું ખરાબ બોલવું) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ કહ્યું હતું કે મંત્રીની ટિપ્પણીઓ દેશ માટે શરમજનક છે. શાહની માફી નકારી કાઢતા, ન્યાયાધીશ સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે કહ્યું હતું કે કોર્ટે તેમની ટિપ્પણી અને ત્યારબાદની માફીનો વીડિયો જોયો છે અને આશ્ચર્ય થયું છે કે શું તેઓ મગરના આંસુ વહાવી રહ્યા છે કે પછી કાનૂની કાર્યવાહી ટાળવાનો પ્રયાસ છે.

હકીકતમાં, મંત્રી વિજ શાહે પોતાના ભાષણ દરમિયાન કર્નલ કુરેશીને આતંકવાદીઓની બહેન કહ્યા હતા. તેમની ટિપ્પણીએ વિવાદ ઉભો કર્યો હતો. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષોએ મંત્રીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેમને બરતરફ કરવાની માંગ કરી હતી. જોકે મંત્રીએ પોતાના નિવેદન પર દિલગીરી વ્યક્ત કરી હતી અને માફી પણ માંગી હતી, પરંતુ તેમ છતાં તેમને કોઈ રાહત મળી ન હતી.