વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસના એક ધારાસભ્યને પોતાના પક્ષમાં આવવા ખુલ્લુ આમંત્રણ આપ્યું છે. જોહેર મંચ પર પાટીલે આપેલા એક રાજકીય નિવેદનથી બંને રાજકીય પાર્ટીઓ વચ્ચે ગણગણાટ શરૂ થયો છે.
આહીર સમાજના બાબરીયા ધાર સમૂહ લગ્નમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરિષ ડેર પ્રત્યે લાગણી વ્યક્ત કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર માટે ભાજપમાં ખાલી જગ્યા રાખી છે તેવુ સ્ફોટક નિવેદન ભાજપ પ્રદેશ અધ્યક્ષે આપ્યું છે. કાર્યક્રમમાં સી. આર. પાટીલે કહ્યું કે, ધારાસભ્ય ડેરને ખખડાવવા મારો અધિકાર છે. મારી પાર્ટીના ઘણા લોકો તેમના મિત્ર છે અને તેમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે હજુ પણ તેમના માટે ખાસ જગ્યા રાખી છે. પહેલા આમે સાથે હતા, એટલે થોડીથોડી ભૂલ થઈ જોય છે. આમ કહી તેમણે કાર્યક્રમમાં રમૂજી માહોલ બનાવ્યો હતો. મહત્વનું છે કે, હજુ બે દિવસ પહેલા જ રાજ્યના ઊર્જા મંત્રી મુકેશ પટેલ અને અમરીશ ડેર સાથે મુલાકાત થઈ હતી. જે બાદ પાટીલનું આ નિવેદન સૂચક માનવામાં આવે છે.
અમરિષ ડેર યુવા કોંગ્રેસનો મજબૂત ચહેરો ગણાય છે. ત્યારે સીઆર પાટીલનું આવુ જોહેરમાં તેમના વિશે નિવેદન આપવુ મોટી વાત કહેવાય. સમગ્ર મામલે અમરિષ ડેરે જણાવ્યું કે, ભૂતકાળમાં પણ રાજ્યસભા, વિધાનસભાની ચૂંટણીમાં કે અન્ય ચૂંટમીમાં ભાજપમાં જોડાયા ત્યારે મારુ નામ ચાલતુ હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાણી સ્વતંત્રતા અંતર્ગત આવુ બોલવા સ્વતંત્ર છે. મારા સંબંધો મારી સાથે બહુ જ સારા છે. તેથી તેમણે પોતીકાપણાના ભાવથી આવુ નિવેદન આપ્યું હશે. મેં એક સમયે ભાજપમાં કામ કર્યુ છે, તેની હુ ના પાડતો નથી. મારી કાર્યશૈલી જોઈને તેમણે આવુ નિવેદન આપ્યુ હોઈ શકે છે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ વિશે જણાવ્યું કે, ભાજપ પાસે કોઈ સક્ષમ ચહેરો નથી, ભાજપને હવે યુવા ચહેરાની જરૂર છે. મને પૂર્વ મુખ્યમંત્રી, નીતિન પટેલ પર દયા આવે છે. તેમણે વર્ષો સુધી કામ કરીને ભાજપને સત્તા પર પહોંચાડી. હવે ભાજપને આ નેતાઓ ગમતા નથી. તેથી તેઓ કોંગ્રેસના નેતાઓને લઈ જવાનો પ્રયાસ કરે છે. હાલ કોરોનાની બીજો લહેર પછી ગુજરાતની જનતા તેઓને સ્વીકારે તેમ નથી. તેથી ક્યાંક આવી વાહિયાત વાતો કરે છે. અમરિષભાઈ અમારા મજબૂત સાથી છે. ભાજપ સામે ૨૦૨૨ ના મુખ્ય સંઘર્ષ માટેના તેઓ અમારા સાથી છે.