પશ્ચિમ બંગાળ ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ દિલીપ ઘોષ ૬૦ વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેઓ તેમના ભાજપ સાથી રિંકુ મજુમદાર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ૬૦ વર્ષીય ભાજપ નેતા હજુ પણ અપરિણીત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કુણાલ ઘોષ અને દેવાંશુ ભટ્ટાચાર્ય સહિત અનેક તૃણમૂલ નેતાઓએ આ પ્રસંગે ભાજપના નેતાને અભિનંદન પાઠવ્યા હતા.
દિલીપ ઘોષના નજીકના લોકોના હવાલાથી અહેવાલ આપ્યો છે કે બંને મો‹નગ વોક દરમિયાન મળ્યા હતા અને સમય જતાં તેમના સંબંધો વધુ મજબૂત બન્યા. બંને ન્યુ ટાઉનમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કરશે, જેમાં નજીકના સંબંધીઓ હાજરી આપશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્નનો પ્રસ્તાવ દુલ્હન પક્ષે આપ્યો હતો. રાજ્ય પક્ષના પ્રમુખ સુકાંત મજુમદાર સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ સવારે ન્યુ ટાઉન સ્થિત ઘોષના નિવાસસ્થાને તેમને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા. તેમના નજીકના એક ભાજપ નેતાએ જણાવ્યું હતું કે દિલીપ ઘોષ અને તેમની ભાવિ પત્ની આ મહિનાની શરૂઆતમાં એક આઇપીએલ મેચ જોવા ગયા હતા. હવે તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું.
અગાઉ દિલીપ ઘોષે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે મારી માતા ઇચ્છતી હતી કે હું લગ્ન કરું, તેથી તેમની ઇચ્છાને માન આપીને હું લગ્ન કરી રહ્યો છું. હું પહેલાની જેમ સક્રિય રાજકારણમાં રહીશ. મારા અંગત જીવનની મારા રાજકીય કાર્ય પર કોઈ અસર પડશે નહીં. રિપોર્ટ અનુસાર, દુલ્હનનું નામ રિંકુ મજુમદાર છે. રિંકુ લાંબા સમયથી ભાજપ કાર્યકર છે. તેમણે પાર્ટીની મહિલા પાંખ, ઓબીસી મોરચા, હેન્ડલૂમ સેલ અને અન્ય ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓની જવાબદારી સંભાળી છે. મજુમદારના આ બીજા લગ્ન છે અને તેમને એક પુત્ર પણ છે.
દિલીપ ઘોષ, જે દરરોજ પોતાના નિવેદનો માટે જાણીતા છે, તેઓ યુવાનીથી જ ઇજીજીના સભ્ય છે. ૨૦૧૫ માં ભાજપમાં સક્રિય થયા પહેલા, તેમણે દેશભરમાં વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. રાજ્ય પ્રમુખ તરીકે, તેમને પશ્ચિમ બંગાળમાં સીપીઆઈ(એમ) ને બદલીને ભાજપને મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે સ્થાપિત કરવાનો શ્રેય આપવામાં આવે છે. ખડગપુરના ભૂતપૂર્વ સાંસદ દિલીપ ઘોષ આગામી વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.
બંગાળમાં ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ અને નેતા દિલીપ ઘોષનું તાજેતરનું નિવેદન સમાચારમાં છે, જેમાં તેમણે કથિત રીતે હિન્દુ સમુદાયના સભ્યોને ઘરમાં શસ્ત્રો રાખવાનું આહ્વાન કર્યું હતું. તાજેતરમાં, વક્ફ કાયદા પર થયેલી હિંસા દરમિયાન, હિન્દુ ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો આવ્યા હતા. મુસ્લીમ બહુમતી ધરાવતા મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદાના વિરોધ દરમિયાન થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા હતા. ઉત્તર ૨૪ પરગણામાં એક જાહેર રેલીમાં, ઘોષે કહ્યું હતું કે, ‘હિન્દુઓ ટેલિવિઝન સેટ, રેફ્રિજરેટર અને નવું ફર્નિચર ખરીદી રહ્યા છે.’ તેના ઘરમાં એક પણ હથિયાર નથી. જ્યારે કંઈક બને છે, ત્યારે તેઓ પોલીસને ફોન કરતા રહે છે. પોલીસ તમારું રક્ષણ નહીં કરે.










































