વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું હતું.મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે ખેડૂતોનાં હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જોહેરાત કરી છે. આ સાથે વડાપ્રધાને તમામ દેશવાસીઓની માફી પણ માગી છે.
વડાપ્રધાનની આ જોહેરાત બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજે ખેડૂતો અને તેમના આંદોલનનો વિજય થયો છે. ભાજપની તાનાશાહી અને આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત છે. ભાજપના નેતાઓ અત્યારસુધીમાં કૃષિ કાયદાઓના ફાયદાઓ જણાવતા હતા, હવે તેઓ આ કાયદાઓ પરત લેવાના ફાયદાઓ ગણાવશે.
બીજી તરફ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ટ્‌વીટ કરીને કહ્યું હતું કે સંઘર્ષ અને સત્યની હંમેશાં જીત થાય છે. સૌરાષ્ટ્રના ખેડૂતનેતા અને કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું હતું કે પહેલીવાર વડાપ્રધાને નમતું જોખ્યું છે. અત્યારસુધીમાં અનેક ખેડૂતો શહીદ થઈ ગયા છે. પહેલાં કાયદાઓ રદ કર્યા હોત તો ખેડૂતો બચી ગયા હોત. ઉત્તરપ્રદેશમાં ભાજપ સત્તા ગુમાવે એવો સર્વે આવ્યો, એટલે કાયદા પાછા ખેંચ્યા છે.
આજે ભાજપની કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા લેવાની જોહેરાત કરી છે. ત્યારે હું તમામ ખેડૂત ભાઈઓને અભિનંદન આપું છું, જેમણે સતત આ અહંકારી સરકાર સામે પોતાનું આંદોલન ચાલુ રાખી પોતાના હિત માટે લડ્યા. મારો કેન્દ્ર સરકારને એક સવાલ છે. સવા વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આ આંદોલનમાં તમે ખેડૂતોને આતંકવાદી કહ્યા, ખાલિસ્તાની કહ્યા, આંદોલનજીવી કહ્યા. એટલું જ નહીં, ૭૦૦થી વધુ ખેડૂતો આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા છે. એના માટે કોણ જવાબદાર, તેમના પરિવારનું ભરણપોષણ હવે કોણ કરશે. પેટાચૂંટણીઓમાં હારી ગયેલી આ સરકારે પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડ્યા અને હવે કૃષિ કાયદાઓ પરત લીધા તો વિચારો આ સરકાર માત્ર ચૂંટણી જીતતી સરકાર છે. સરકારને લાગ્યું કે હવે આપણું ચાલશે નહીં, એટલે ચૂંટણીઓ નજીક આવતાં જ આ કાયદાઓ પરત ખેંચવાની જોહેરાત કરી. જો દેશની જનતા એક થાય તો આ અહંકારી સરકારને ઝૂકવું પડશે.
કિસાન કોંગ્રેસના ઉપપ્રમુખ ગિરધર વાઘેલાએ કહ્યું હતું કે જો ખેડૂતોના ત્રણ કાયદા દેશહિત માટે હતા તો શા કારણે એને પરત ખેંચવામાં આવ્યા. ૭૦૦ ખેડૂતની શહાદત બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. ૩ કૃષિ કાયદા પરત ખેંચવાની જોહેરાત કરવામાં આવતાં રાજકોટ શહેર ખાતે કિસાન સંઘ દ્વારા ફટાકડા ફોડી આ નિર્ણયને આવકારીને સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
રાજકોટ લોકસભાના સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોને વધુ ને વધુ સારી રીતે કેવી રીતે ઉપયોગી થઇ શકે એ માટે પ્રયત્ન કરી રહી છે. ખેડૂતોને વધુ ઉત્પાદન થાય,ઓછા ખર્ચ થાય સારા ભાવ મળે આ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. કેટલાક ખેડૂતોની માંગ હતી જેને ધ્યાનમાં રાખી આ ૩ કાયદા પરત ખેંચવા જોહેરાત કરી આ સાથે કૃષિને લગતી બાબતો માટે એક કમિટી બનાવવાની જોહેરાત કરી છે માટે હું દેશના વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરું છું.
વડાપ્રધાન મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા જોહેરાત કર્યા બાદ રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા વિધાનસભાના કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, ખેડૂતોના આંદોલન સામે ઘૂંટણિયે પડી કેન્દ્ર સરકારે આ કાળા કાયદા પરત ખેંચવા નિર્ણય કરવો પડ્યો છે. ખેડૂતોની આજે જીત થઇ છે ત્યારે આગામી ચૂંટણીઓમાં પણ આંદોલન કારી ખેડૂતો અને અન્ય ખેડૂતો ભાજપ સરકારને જોકારો આપવાની છે એ વાત નિશ્ચિત છે. ઉપરાંત જયારે પણ કોઇ નવા કાયદા લાગુ કરવા હોય તો એ પહેલા સંબધિત લોકો સાથે બેસી અને ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવો જોઈએ તેવી મારી માંગ છે અને આ કાયદા પરત ખેંચી સરકારે બોધપાઠ મેળવવો જોઈએ.