નર્મદામાં ભાજપના સાંસદ મનસુખ વસાવા તેમના બેફામ વાણી વિલાસ માટે સતત ચર્ચામાં રહેતા હોય છે. વિપક્ષ ઉપરાંત પોતાના પક્ષ માટે પણ તેઓ બિન્દાસ બોલે છે. ત્યારે ભાજપના જ મહિલા ધારાસભ્યએ ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે આક્ષેપો કર્યા છે.નર્મદા જિલ્લામાં ભાજપના બે દિગ્ગજ નેતા ઓ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ આમને સામને આવ્યા છે. સાંસદે ૭ ડિસેમ્બરે એક નનામા પત્ર બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. આ બાબતે દર્શનાબેન દેશમુખે તેમને વળતો જવાબ આપ્યો છે.ધારાસભ્ય દર્શના દેશમુખે કહ્યું કે, મનસુખ વસાવા ભ્રષ્ટાચારની વાત કરે છે તે સાબિત કરે નહિ તો હું તેમની સામે માનહાનિનો દાવો કરીશ. મનસુખ વસાવા સામે કોર્ટમાં જવાનું થશે તો હું કોર્ટમાં પણ જઈશ.તો બીજી તરફ, મનસુખ વસાવાની સામે ગુસ્સે થયેલા દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસવાના હતા, પરંતું પ્રદેશમાંથી સૂચના મળી એટલે ધરણા રદ કર્યા હોવાની વાત પણ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.તેમણે આગળ કહ્યું કે, મનસુખ વસાવા મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી, હું જયારે ધારાસભ્ય બની ત્યારથી જ મારા પર મનસુખ વસાવા આક્ષેપ કરતા આવ્યા છે. મનસુખ વસાવા મારા વિશે બેફામ વાણીવિલાસ હંમેશા કરતા આવ્યા છે. હું પણ ભાજપની જ દીકરી છું, તો સિનિયર સાંસદ તરીકે આવો મારા વિશે વાણી વિલાસ ના કરવો જાઈએ. મારી પાસે પણ આવા નનામા પત્રો આવે છે, પણ અમે એને કચરામાં નાંખી દઈએ છીએ. એના પર અમે કોઈ ટિપ્પણી કરતા નથી.મહિલા ધારાસભ્યએ કહ્યું કે, મનસુખ વસાવા બાબતે મેં પ્રદેશ સુધી રજુઆત કરી છે. મનસુખ વસાવાને મારા માટે કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો યોગ્ય ફોરમમાં વાત કરવી જાઈએ. કેટલાય સમયથી હું મૌન હતી, પણ આવા વાણી વિલાસને કારણે મારે આજે મૌન તોડવું પડ્યું છે. હવે જા કાયમ મનસુખ વસાવા કંઈ બોલશે તો મારે જવાબ આપવો પડશે,ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવાએ નાંદોદના ભાજપ ધારાસભ્ય દર્શન દેશમુખને આ પહેલા પણ પ્રશ્ન પૂછતા ભાજપમાં આંતરિક ઝઘડો સામે આવ્યો હતો. મનસુખ વસાવાએ દર્શના દેશમુખ પર આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ ચતર વસાવાને ટેકો આપવાનો આરોપ લગાવ્યો હતો. લોલીપોપ આપી રહી છે. મનસુખ વસાવાએ કહ્યું હતું કે, “દર્શનબેન ચૈતન્યને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમનું સમર્થન ચાલુ રાખે છે. ત્યારે દર્શના દેશમુખે વસાવાના આરોપોનો જવાબ આપતા કહ્યું હતું કે, “મારે પોતાનો ખુલાસો આપવાની જરૂર નથી.”







































