ભાજપના નેતાઓ જોહેર કાર્યક્રમોમાં પોલીસનું અપમાન કરતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ડાંગ જિલ્લામાં યોજોયેલા સરકારી કાર્યક્રમમાં પોલીસ કર્મી પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની બાજુમાં ટ્રે લઇને ઉભેલા દેખાય છે. આ ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ભાજપ નેતાઓ
પોલીસને પોતાના ખીસ્સામાં રાખતા હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. ઉપરાંત ભાજપ સરકારી કમર્ચારીઓને પક્ષના કાર્યક્રમમાં જોતરીને તેમનું અપમાન કરતાં હોવાનું પણ ચર્ચાયું છે.
આ બાબતે કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં ગાયગોઠણ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. પૂર્વ કેબીનેટમંત્રી ગણપતસિંહ વસાવા કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. પોલીસ કર્મી ખાખીની મર્યાદા નેવે મુકીને નેતાઓની સેવામાં જોતરાય છે. તેઓ ટ્રે પકડીને નેતાની બાજુમાંનું ઉભા છે. પોલીસનું કામ સમાજની રક્ષા કરવાનુ છે. નેતાઓ બાજુમાં ટ્રે લઇને ઉભા રહેવાનુ નથી. ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા પોલીસનું મનોબળ ઓછુ થયુ છે. પોલીસ પાસે ભાજપ કાર્યકરોની માફક કામ લેવામાં આવે છે. કોંગ્રેસ પક્ષ પોલીસનું સન્માન જોળવવા આવી ઘટનાનો વિરોધ કરશે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પુછવામાં આવશે કે પોલીસ કર્મીનું અપમાન શા માટે? રાજ્યમાં સરકારી મશીનરીનો ભાજપ સરકાર ખોટો ઉપયોગ કરી રહી છે. શિક્ષકો, આંગણવાડી કર્મી, આરોગ્ય કર્મી વગેરેને સરકારી કાર્યક્રમોમાં કામે જોતરવામાં આવે છે. ભૂતકાળમાં સરકારી કાર્યક્રમોમાં પોલીસને અપમાનજનક સ્થિતિમાં ઉભા રાખવામાં આવ્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતાં. આઇપીએસ અને આઇએએસ અધિકારીઓને સરકારી કાર્યક્રમમાં બેસવા ખુરશી પણ આપવામાં આવતી નહીં હોવાનું ઉમેર્યું હતું.