સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક પરથી ભાજપના ઉમેદવારે ભરેલા ફોર્મ સાથેના સોગંદનામાએ રાજકીય આલમમાં ચર્ચા જગાવી છે. ઉમેદવારી પત્રમાં દર્શાવેલી વિગતો મુજબ, ઉમેદવાર કરોડોની સંપત્તિ અને લક્ઝરી વાહનો ધરાવે છે, પરંતુ તેમની સામે અડધો ડઝન જેટલા પોલીસ કેસો પણ નોંધાયેલા છે. ખાસ કરીને પક્ષ પલટો કર્યા બાદ તરત જ ટિકિટ મળતા અને ગુનાહિત ઇતિહાસ સામે આવતા વિવાદ સર્જાયો છે.
રાજુ કરપડા દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા મુજબ, તેમની સામે કુલ ૬ પોલીસ કેસ નોંધાયેલા છે. જેમાં મુળી, થાનગઢ, પાળીયાદ અને ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો સમાવેશ થાય છે. આ કેસોમાં આઈપીસીની કલમ ૩૨૩, ૩૨૫, ૩૨૬ અને ૧૧૪ હેઠળ ગંભીર ઈજા પહોંચાડવા તેમજ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૧૩૫ મુજબના ગુનાઓની નોંધ છે. આ પૈકીના કેટલાક કેસો સેશન્સ કોર્ટ સુધી પહોંચ્યા છે અને કેટલીક પ્રક્રિયાઓમાં સજા અને અપીલની કાર્યવાહી ચાલુ હોવાનું સામે આવ્યું છે.
સંપત્તિની વિગતો જાઈએ તો, રાજુ કરપડા અંદાજે ૩ કરોડ ૧૨ લાખ ૬૨ હજાર રૂપિયાની કુલ સંપત્તિ ધરાવે છે. તેમની પાસે ૯૨,૩૧૮ ચોરસ મીટર એટલે કે આશરે ૫૭ વિઘા ખેતીની જમીન છે, જેની અંદાજિત કિંમત ૨ કરોડ ૧૪ લાખ ૫૦ હજાર રૂપિયા છે. વાહનોમાં તેમની પાસે ઇનોવા ક્રિસ્ટા, અર્ટિગા, માર્શલ જીપ, ટ્રેક્ટર અને બાઈક મળી કુલ ૫ વાહનો છે. પરિવાર પાસે કુલ ૬૯ લાખ રૂપિયાની કિંમતનું સોનું છે, જેમાં સૌથી વધુ ૪૦૦ ગ્રામ સોનું તેમના પત્ની ધરાવે છે. રોકડ રકમની વાત કરીએ તો ઉમેદવાર અને તેમના આશ્રિતો પાસે મળીને કુલ ૬૨,૧૭૦ રૂપિયાની રોકડ છે. જાકે, મિલકતની સાથે તેમની પર દેવું પણ નોંધપાત્ર છે. વિવિધ લોન પેટે તેમની પર ૪૮ લાખ ૫૯ હજાર રૂપિયાનું દેવું છે.