“અરે ઓ વાંદરાભાઈ! આ તમે અને તમારા મિત્રો જરા ઓછી કૂદમકૂદ કરો તો સારું! આ જુઓને, તમે આમ કૂદમકૂદ ને હૂપાહૂપ કરો છો એમાં અમને ખૂબ તકલીફ પડે છે. તમે બધા જરાક જંપીને બેસો તો સારું!” – ઝમકું ખિસકોલીએ મીન્ટુ વાંદરાને વિનંતી કરતાં કહ્યું.
મીન્ટુ વાંદરો ને એની ટોળી દરરોજ આખુંય ઝાડ માથે લે. આજુબાજુનાં ઝાડ પર પણ કબજો જમાવે. આ ઝાડથી પેલું ઝાડ, ને પેલા ઝાડથી આ ઝાડ. ન જુએ ડાળી કે ન જુએ પાન. ઝાડ પર એટલી કૂદમકૂદ ને હૂપાહૂપ કરે કે ઝાડ પર રહેતાં પક્ષીઓ અને ખિસકોલી જેવા પ્રાણીઓ હેરાન-પરેશાન થઈ જાય. સૌ એને ધમાલમસ્તી ઓછી કરવા કહે પણ એ કોઈનીય વાત કાને ન ધરે. ઊલટાનું એને કોઈ વિનંતી કરે તેમ એ વધુ મસ્તીએ ચડે. ડાળી પકડી લટકે, દાંતીયાં કાઢે, સામું જોઈ ચાળા કરે ને માળા વીંખી નાંખે આ એની ટેવ.
ખિસકોલી અને બધાં પંખીઓ મીન્ટુ વાંદરાની અતિશય ધમાલમસ્તીથી કંટાળી ગયા હતા. એકવખત બધા ભેગા મળ્યા. મીન્ટુ વાંદરાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બધાંએ ખૂબ ચર્ચા કરી અને પોતપોતાના મત રજૂ કર્યા. આખરે હાથીભાઈની મદદ લેવાનું નક્કી કર્યું. સૌને એવી આશા હતી કે હાથીભાઈ જરૂર એમને મદદ કરશે અને મીન્ટુના ત્રાસમાંથી છૂટકારો અપાવશે.
સ્વીટુ સસલું પણ સાથે જોડાયું. સૌ સાથે મળી હાથીભાઈ પાસે ગયાં. સૌને સાથે મળી આવતાં જોઈ હાથીભાઈને નવાઈ લાગી. તેમણે સૌને આવકારતાં પૂછ્યું, “બોલો બોલો! આમ સાથે મળીને કેમ આવવાનું થયું? કોઈ મુશ્કેલી તો નથી ને?”
ઝમકું ખિસકોલી અને સ્વીટુ સસલાએ હાથીભાઈને માંડીને બધી વાત કરી. હાથીભાઈએ સૌને શાંતિથી સાંભળ્યા ને કહ્યું, “હંમમમ…. તમે જરાય ચિંતા ન કરશો. એ મીન્ટુ અને એની ટોળકીને આપણે જરૂર પાઠ ભણાવીશું. હું કંઈક યુક્તિ વિચારું છું. હું જરૂર ત્યાં આવીશ.” એમની વાત સાંભળી સૌ ખુશખુશ થઈ ગયા. હાથીભાઈએ હાથ લંબાવતા સૌ રાજીના રેડ થઈ પાછા ફર્યાં.
બીજે દિવસે હાથીભાઈ મોટો થેલો સૂંઢમાં ભરવી ધબધબ કરતા ઊપડ્‌યા. સૌ એમની રાહ જોતા હતા. એમને આવતા જોઈ સૌ રાજીરાજી થઈ ગયા. મીન્ટુ અને એની ટોળીની ધમાલમસ્તી ચાલુ જ હતી. હાથીભાઈ શું લઈને આવ્યા? શું યુક્તિ કરશે? સૌને એની આતુરતા હતી. એમાંય એમની સૂંઢમાં મોટો થેલો ભરાવેલો જોઈ સૌને આશ્ચર્ય થયું.
હાથીભાઈને જોઈ મીન્ટુ અને એની ટોળી સહેજ ગભરાઈ. હાથીભાઈએ આવીને સૌ સમક્ષ થેલો ખોલ્યો. જોયું તો તેમાં ફટાકડા હતા. સૌને બધું સમજાઈ ગયું. સૌએ ફટાફ્‌ટ ફટાકડા લઈ લીધા ને ફોડવા લાગ્યા. ‘ફટાક ધડમ ધૂમધૂમ… ફટાક ધડમ ધૂમધૂમ’ ફટાકડા ફૂટવા લાગ્યા. મીન્ટુ અને એની ટોળી ગભરાઈ ને ત્યાંથી ઊભી પૂંછડીએ નાસી છૂટી. હવે સૌને ઉપાય જડી ગયો.
મીન્ટુ અને એની ટોળીને ભાગતી જોઈ સૌમાં આનંદની લહેર વ્યાપી ગઈ. સૌએ હાથીભાઈનો આભાર માન્યો.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭