ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદની આફત સતત ત્રીજા દિવસે વરસી હતી. મહુવામાં જાણે આભ ફાટયું હોય તેમ પોણા સાત ઈંચ તોફાની વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓને પણ મેઘરાજાએ ધમરોળી વીજળીના કડાકા-ભડાકા અને મિની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને તોફાની વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો, વીજ થાંભલા જમીનદોસ્ત થતાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. પાલિતાણામાં વરસાદની આફતે બે મૂકપશુનો ભોગ લીધો હતો.
ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહીના પગલે શહેર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ શકે છે. જિલ્લામાં અનેક તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. ભાવનગર શહેરમાં પણ છેલ્લા એક કલાકથી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના કુંભારવાડા, સંસ્કાર મંડળ, રામમંત્ર મંદિર રોડ, કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા હોવાના સમાચાર છે. વરસાદને લઈને શહેરના અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે.
હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લાના દશેય તાલુકામાં વરસાદી માહોલ જાવા મળી રહ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે અનેક તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જ્યારે અનેક તાલુકાના ગ્રામ્ય પંથકમાં કરા સાથે ભારે વરસાદ થયો હતો. જિલ્લાના મહુવા પંથકમાં સવારે ૬થી રાત્રીના ૮ વાગ્યા સુધીમાં ૬.૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સિહોરમાં ૨ ઇંચ, ભાવનગરમાં ૧.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જેસર, ઉમરાળા, પાલીતાણા સહિતના તાલુકા પંથકમાં અડધોથી એક ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા અપાયેલ માવઠાની આગાહીને પગલે ભાવનગર જિલ્લાના માર્કેટયાર્ડ દ્વારા સૂચના જાહેર કરાઈ છે. ભાવનગર, મહુવા, તળાજા, પાલીતાણા સહિતના માર્કેટયાર્ડ તંત્ર દ્વારા સૂચના જાહેર કરાઈ છે. માવઠાની આગાહીને લઇને ખેડૂતો અને વેપારીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જણસીઓ ઢાંકીને સુરક્ષિત રાખવા સૂચના જાહેર કરાઈ છે. જણસીઓ વેચાણ માટે લાવતા ખેડૂત ભાઈઓ, કમિશન એજન્ટ ભાઈઓને તાડપત્રી કે પ્લાસ્ટીક લાવવા સૂચના અપાઈ છે. ખરીદી કરનાર વેપારી ભાઈઓને પોતાનો જથ્થો ગ્રાઉન્ડમાંથી ઉપાડી લેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.