ખાદીનો પાયજામોને પહેરણ અને માથે મોદી બ્રાન્ડ બંડી ઠપકારીને બનેવીલાલ આજે દેખાયાં.
બેરાલાલને નવાઈ લાગી. આ બનેવીલાલના કપડાં અચાનક બદલાઈ કેમ ગયાં? ગામમાં નથી કોઈ લગન,નથી કોઈ કથા, સપ્તાહ. તો પછી..! છેવટે બેરાલાલે પુછી જ નાખ્યું.
‘બનેવીલાલ! આજે કાંઈ અલગ મૂડમાં જ લાગો છો.
કાંઈ વાર -તહેવાર કે લગન બગન?’
‘તમને નથી ખબર? આપણાં માટે, મતલબ મતદારો માટે આ ઉત્સવથી કમ નથી. પાંચ વરહે એકવાર જ મતદારોનો જમાનો આવે છે. અને એય તે એક દિવસ પુરતો જ.’
‘હં..હં..અ. તંઈ હાસું. છોકરાઓ ચૂંટણી ચૂંટણી કરતાં ‘તાં. મને એમ કે છોકરાઓ ચૂંટણી ચૂંટણી રમતાં હશે. ઠીક..છે.!! સરવાળે ચૂંટણી આવી એમને !! પણ, શું તમારે ‘ય ચૂંટણીમાં ઊભું રે ‘વું છે ?
તમારું દરહણ અને તમારો વેશ જોઈને લાગે તો છે, કે તમને ‘ય ચૂંટણી લડવાનાં અભરખાં જાગ્યાં છે.’
‘બેરાલાલ! તમારું અનુમાન ખરું છે. ટિકિટ મળે તો ચૂંટણીમાં ઝંપલાવુ છે. આગે આગે ગોરખ જાગે.’
આ વાત -ચિત દરમિયાન બોસ અને બકો ‘ય આવી ગયાં હતાં.
બકાએ એક વાતનું ધ્યાન દોર્યું.
‘બનેવીલાલ! તમે ચૂંટણીમાં ઊભાં તો રહેશો. પણ, તમારી બંડીનું ખીસું કપાઈ ગયેલું છે. મેં તો હાંભળયું છે કે, નેતાઓનાં ખીસ્સા હાજા હોય છે. અને તમારું ફાટેલું!?’
‘હં..હં..અ. તંઈ હું વિચાર કરું છું કે, (નેતાઓ કોઈ ‘દિ કોઈને કાંઈ આપે નહીં. આપે તો બસ ઠાલાં વચનો જ આપે) અને મને આ નવી જેવી લાગતી બંડી કેમ આપી??
પણ, મેં એક વાર્તા વાંચી હતી. એક દિવસ ઉંદરોમા શરત લાગી. આપણે નાનાં નાનાં માણસોનાં ખીસ્સા તો બહું કાપીએ છીએ. કોઈ મરદનો ફાડિયો છે, કે નેતાનું ખીસ્સું કાપીને દેખાડે.
મને લાગે છે, કે એમાં આ બનેવીલાલની બંડીનો વારો પડી ગયો હશે. અને એટલે જ એમણે મને હારું લગાડવા આ બંડી ભેટમાં આપી દીધી હશે.’
અભણ અમથાલાલને આનાંથી જરાય નવાઈ ના લાગી. અને એમણે આગળ ચલાવ્યું..
‘નેતાઓનાં લોહીમાં આવું બધું હોય છે. પણ !, હવે તો આવાં નેતાઓ ઉપરે ‘ય રાત રહે એવાં એવાં અધિકારીઓ ઉત્પન્ન થવાં લાગ્યાં છે.’
‘અમથાલાલ ! ચૂંટણી અને નેતાઓની વાત હાલે છે. એમાં અધિકારીઓની વાત ક્યાંથી આવ્યાં? ’
‘અધિકારીઓ પોતાનો અધિકાર તો વાપરે જ છે. પણ, વધારાનો અધિકાર એ ઉત્પન્ન કરે છે. એટલે અધિકારી વચ્ચે આવ્યાં કરે છે.’
‘ અમથાલાલ કાંઈ હમજાય એવું બોલો. અમને કાંઈ કરતાં કાંઈ ટપ્પો પડતો નથી.’
‘જૂઓ.., તમે ઉંદરની વાર્તા કહી. પણ, હું તમને ઉંદરોની નાતની હકીકત કહું.
આપણાંમાં જેમ ચૂંટણી આવે છે. એમ એની નાતની ‘ય ચૂંટણી આવે છે. આવી એક ચૂંટણીમાં દસ બાર ઉંદરો દોડા દોડી કરી રહ્યા હતાં. મોટી ઉંમરનાં અને અનુભવી ઉંદરોને લાગ્યું કે, એમની દોડા દોડી કાંઈક વધારે પડતી છે. એટલે એમણે ટકોર કરી.’
‘ભાઈ ! થાતો ભુવો વધારે ધુણે આ હકીકત છે. પરંતુ, તમારું દોડવું વધારે પડતું હોય એવું મારું અનુમાન છે. હકીકત શું છે? તમે કહો. નહીંતર અમારાં બાતમીદારો અમને હકીકત જણાવશે.’
નવાં નવાં નેતા બનવા નીકળેલાં એ ઉંદરો ભાંગી પડ્યાં. અને પોપટ બની ગયાં.
‘જૂઓ.., અમારાં હાથમાં એક શક્તિશાળી પોટલું આવ્યું છે. તમે એક જ વાર એક મોઢું ભરો એટલે અખૂટ શક્તિ તમારામાં આવી જાય છે. બસ! આ કારણે જ અમારી દોડા દોડી વધી ગઈ છે.’
‘તો પછી અમને ‘ય ત્યાં સુધી લઈ જાવ! અમારો શું વાંક!??’
‘તમારે પેલાં એને લાયક બનવું પડે. પછી ન્યા જાવા મળે.
નાનાં માણસોને ન્યા કોઈ ઘરવા નો દે. પેલાં મત મેળવીને પદાધિકારી બનો. તો જ અધિકારી ઘરવા દે.’
‘કદાચ! જાતિ જિંદગીએ અમે એય કરવાં તૈયાર છીએ. પણ, આવો શક્તિનો ભંડાર ન્યા છે. અને એ તમારાં હાથમાં આવી ગયો છે. એની કોઈ સાબિતી ખરી!?? એનું કોઈ પ્રુફ છે તમારી પાસે??’
‘હા..હા..! પ્રુફ છે ને, વિધાનસભા.’
‘વિધાનસભા? ન્યા તો માણસો બેહે છે ને !!? આપણને ન્યા નો ઘરવા દે.’
‘માણસો કે’ વાનાં બાકી ઈ ‘ય આપણાં નામે જ ચરી ખાય છે. આપણું નામ જ વટાવે છે.’
‘જરાં ફોડ પાડીને વાત કરોને, અને કાગળ ઉપર કોઈ સાબિતી ખરી!?’
‘હા..હા.. કાગળ ઉપર જ. હાત વાર કાગળ ઉપર.
વિધાનસભામાં સરકારનાં કામનાં હાસા -ખોટાંનાં લેખાં જોખાં કોણ કરે ખબર છે? ઝ્રછય્ ,કેગ.
કેગે આ વખતે ય્િેર વિભાગનો રિપોર્ટ વિધાનસભામાં મૂકયો. એમાં જણાવ્યું કે..
૨૦૨૨થી ૨૦૨૫ સુધીમાં પોલીસ ખાતાએ ૬૫૧૦ કિલો ડ્રગ્સ પકડ્યું હતું. અને એમનો નાશ કરવાનાં સમયે એ ડ્રગ્સ હતું. ૪૧૭૭ કિલો. તો ૨૩૩૨ કિલોની ઘટ કેમ આવી? ૨૩૩૨ કિલો ડ્રગ્સ ક્યાં ગયું?’
‘અધિકારીઓ અને પદાધિકારીઓએ સાથે મળીને જવાબ આપ્યો છે કે..૨૩૩૨ કિલો મતલબ ૧૧૭ મણ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયાં. મતલબ અમે નશો કરી ગયાં. હવે વધારે સબૂત જોઈએ છે?’
(વધુ આવતાં અંકે) kalubhaibhad123@gmail.com










































