જીવી ઓઘડને પરણીને આ ગામમાં આવી ત્યારે આખું ગામ ભીંડાની ખેતી કરતું હતું. એટલું જ નહીં,આ ગામ ભીંડાનું ગામ તરીકે પણ ઓળખાતું હતું. દરેક ઘરમાં મોટે ભાગે ભીંડો જ ખવાય. એક દિવસ આખો ભીંડો, સમારેલો ભીંડો તો એક દિવસ ભરેલો ભીંડો, કે શેકેલ ભીંડો. તો વળી એક દિવસ ભીંડાનું કચુંબર અને રાત્રે ભીંડાની કઢી . આમ ભીંડો..ભીંડો..ભીંડો ચાલ્યા જ કરે. ગામને વળતર પણ સારું મળે.
સમય જતાં ભાદરવાનાં ભીંડાની જેમ છોકરાઓ મોટા મોટા થવા લાગ્યા. પણ..! આવાં ભાદરવાના ભીંડા જેવાંને કોઈ ભીંડી, મતલબ છોકરી આપવા તૈયાર નથી.
કહે ‘ભીંડાના ગામમાં ભીંડા સિવાય બીજું છે શું? છોકરી ભીંડા જેવી થઈ જાય.’ આમ છોકરાઓ કુંવારા રહેવા લાગ્યા અને એક અફવા એવી પણ ચાલી કે, ભીંડો બહું ખવાય નહીં. ભીંડો ખાવાથી કફ જામી જાય. -આમ ભીંડાની ખપત પણ ધીમી પડી.
આમ ધીરેધીરે લોકોએ ભીંડો વાવવો બંધ કરી દીધો. ખેતરને ભીંડો ભાવી ગયો હતો.એટલે બીજું ઉત્પાદન નહિવત આવે. આમ ગામમાં આવક ઘટવા લાગી. બેકારી અને ગરીબી સાગમટે આવવાં લાગી. દુકાળમાં અધિક જેઠ મોઢું ફાડવા લાગ્યો.
માણસ કરે તો કરેય શું? છોકરાં વરાવવા જરૂરી હતાં. માણસ ઉધાર ઉછીના કરીનેય, માથે પૈસાનું દેવું કરીનેય પ્રસંગ કરે. આમને આમ આખું ગામ દેવાનાં ડુંગર નીચે દબાઈ ગયું. જીવી અને ઓઘડ પણ દેવામાં ડૂબી ગયાં. વરસે જેટલું ઉત્પાદન આવે એમાં મોટાં ભાગનાં વ્યાજમાં ચાલ્યા જાય. વ્યાજ વાળા પાડા જેવાં અને બીજા દુબળી ગાય જેવાં થઈ ગયાં. ઘરનાં નળીયા બદલવાનો વેંત ના રહે.
જીવી થોડીઘણી ભણેલી હતી. એમને વિચાર આવ્યો કે..,’આ ખોટું થઈ રહ્યું છે. ગામને દેવાનાં ડૂંગર નીચેથી બહાર નીકળવાનો રસ્તો શોધવો પડશે.’ એ બાજુનાં શહેરમાં ખેતીવાડીની ઓફિસમાં ગઈ. ભીંડા બાબતનું સઘળું જ્ઞાન મેળવ્યું અને જરૂર પડે તો મિટિંગ માટે સાહેબને આવવા પણ રાજી કર્યા. આમ ગામમાં આવીને જીવીએ ભીંડા પુરાણ શરું કર્યું. “ભાઈઓ આપણને નાનાંથી માંડીને મોટેરાઓને ચશ્મા કેમ આવે છે? આપણને ગોંઠણનો દુખાવો કેમ થાય છે? આપણને ડાયાબિટીસ કેમ વળગ્યો છે? અને બધા જ રોગનું મૂળ કબજિયાત કેમ થયો? સાથે સાથે નાની ઉંમરે હૃદયનાં હૂમલાઓ આવી રહ્યા છે.??” “હવે આવી બધી વાતો તો ડોક્ટરને ખબર હોય. આપણને શું ટપ્પો પડે..!??” એક ભણેલ ગણેલ માણસે વાતને હસવામાં કાઢી નાંખી.
હવે જીવી બોલી.. “જૂઓ.. અહીં જ આપણી મોટી ભૂલ છે. દરેક વાત ડોક્ટરને ખબર ના પણ હોય!! આપણાં પૂર્વજો બને ત્યાં સુધી દવાખાને જતાં જ નહીં.
ઘરગથ્થુ ઉપચાર કરીને રોગ મટાડી દેતાં .”
“હા પણ..હવે ઘરગથ્થુ ઉપચાર કરે છે કોણ!??
અને એ ઊંટ વૈદ્યોનો ભરોસો કેટલો ??”
બે ચાર જુવાનીયા બોલ્યા.
ફરી જીવી બોલી.. “ભાઈઓ આ ઊંટ વૈદ્યુ નથી.
આ બધાનો ઉપચાર આપણી પાસે જ છે.
આપણો ભીંડો.”
“ભીંડો આ બધું જ કામ કરે છે.”
લોકો હસવા લાગ્યાં.જીવીની વાતને આ કાને સાંભળી આ કાને કાઢીને ચાલતાં થયાં.
જીવી હાંસીને પાત્ર ઠરી.
પણ..! હાર માને એ બીજાં.જીવીએ હાર નાં માની એ ફરી ખેતીવાડીની ઓફિસમાં ગઈ. સાહેબોને ગામમાં મિટિંગ માટે બોલાવ્યાં.
ગામ આખું ભેગું થયું હતું.
મિટિંગ શરૂ થઈ.. સાહેબે શરું કર્યું..
“ભાઈઓ તથા બહેનો, તમારાંમાંથી આંખનાં નંબર હોય એ આંગળી ઊંચી કરજો.”
મોટાં ભાગનાં બધાએ આંગળી ઊંચી કરી.
“તમારાંમાંથી ગોઠણનો દુખાવો હોય એ આંગળી ઊંચી કરજો.”
બધાએ આંગળી ઊંચી કરી.
“તમારાંમાંથી કબજિયાત રહેતો હોય એ આંગળી ઊંચી કરજો.”
અર્ધાએ આંગળી ઊંચી કરી.
“જૂઓ આ સમસ્યા તમને પહેલાં હતી??”
“ના ના ના, સાહેબ! આ હમણાં હમણાં જ, થોડા જ વરસોમા થયું છે.”
એક બે આગેવાનોએ સમજાવ્યું.
“બસ!! મારે તમને એ જ સમજાવવું છે કે, આ આવ્યું ક્યાંથી??
હું એમ નથી કહેતો કે, તમે ભીંડો બંધ કર્યો એટલે આવું થયું છે.
પણ..પણ..!! મારે તમને ભીંડાના ગુણધર્મો બતાવવા છે.”
“જૂઓ..,ભીંડો એક એવું શાક છે, જે ઘણાં બધાને ભાવતું હોય છે. તેમાં કેલરી ઓછી અને ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે.”
“ભીંડામાં વિટામિન છ અને ઝ્ર તેમજ પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવાં મિનરલ્સથી ભરપૂર હોય છે. જે પાચનતંત્ર મજબૂત કરે છે.અને કબજિયાત અટકાવે છે.”
“ભીંડામાં મ્યુસિલેજ નામનું જેલ હોય છે. જે કોલેસ્ટ્રોલને યુરિનના માર્ગેથી શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે અને આ રીતે હૃદય રોગનું જોખમ પણ ઘટાટે છે અને ભીંડામાં વિટામિન ઝ્ર ભરપૂર માત્રામાં હોય છે.
જે એક એન્ટિ -ઓક્સિડન્ટ છે. આમ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રોગો અને ચેપ સામે રક્ષણમાં મદદ કરે છે. તેમજ આમા રહેલ કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાંને મજબૂત બનાવે છે.” “આમ વિટામિન છ આંખોની રોશની માટે ખૂબ જ જરૂરી વિટામિન્સ છે. જે તમને ભીંડામાથી ભરપૂર મળી રહે છે. બોલો હવે ભીંડા બાબતે કોઈને કાંઈ પૂછવું છે? કોઈને કાંઈ શંકા છે ??”
બધાં જ મોં મા આંગળા નાંખી ગયાં.
“આપણાં ભીંડામાં આટલાં બધાં ગુણો છે..!!??
હવે તો ભીંડાનું વાવેતર કરવામાં જ આપણું ભલું છે.”
ભલું થજો ભીંડાદેવનું કે..,બે ચાર વરસમાં આખું ગામ કરજ મુક્ત ગામ બની ગયું.
વાર્તા મૂળ સ્વરૂપેઃ- કાળુભાઈ ભાડ, અમરેલી.