ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે એક માસનું નવજાત બાળક ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવ્યું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને ખુલ્લા આકાશ નીચે છોડી દીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાળકને જાઈ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા.સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકને પ્રાથમિક સારવાર માટે કુડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયું હતું. ત્યારબાદ વધુ સારવાર અને તબીબી દેખરેખ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હાલ બાળકની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં હાંસોટ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને બાળકને કોણે તથા શા માટે ત્યજી દીધું તે અંગે તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, સ્થાનિક લોકોની પૂછપરછ અને અન્ય પુરાવાઓના આધારે જવાબદાર સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા છે.વરસાદી માહોલ વચ્ચે ખુલ્લા આકાશ નીચે નિર્દોષ નવજાત બાળકને ત્યજી દેવાની ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાવી છે. લોકો નિષ્ઠુર જનેતાના આ કૃત્યને ફિટકારી રહ્યા છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસની વધુ તપાસ ચાલુ છે.


































