ભરૂચ એનએચ ૪૮ પર ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદીરને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતા જ જિલ્લાનું પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. હાલમાં ભારત અને પાકીસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના હેઠળ જિલ્લાનું પોલીસ તંત્ર પહેલેથી જ સતર્ક હતું.
ભરૂચ સી ડિવિઝન પીઆઇ એ.વી પાણમીયાને ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ અને ડીઝાસ્ટર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો હતો કે, એક ઈસમે મોબાઈલ ફોનથી સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. રાત્રીના એક થી બે વાગ્યાના સમય દરમ્યાન ૪ વ્યક્તિઓ ઝાડેશ્વર ખાતે આવેલા બીએપીએસ સ્વામીનારાયણ મંદીરને બોમ્બથી ઉડાવી દેવાના છે.
બામ્બ બ્લાસ્ટથી મંદિર ઉડાવી દેવાના ધમકી ભર્યા કોલને લઈ એસઓજી પીઆઇ એ.એ ચૌધરી અને સી ડિવિઝન પીઆઇ એ.વી.પાણમીયાના માર્ગદર્શન હેઠળ બન્ને પોલીસ મથકનો સ્ટાફ, સર્વેલન્સ સ્કોડ સાથે બોમ્બ સ્કોડને લઈ સ્વામીનારાયણ મંદિરે પોહચી હતી. સાથે જ કોલ કરનાર વ્યક્તિની તપાસ શરૂ કરી દેવાય હતી. મંદિરને બામ્બથી ઉડાવવાનો કોલ કરનાર વ્યક્તિ ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે હોવાની હકીકત મળતા ત્યાંથી તેને પકડી લેવાયો હતો.
કોલ કરનાર શહેરના જંબુસર બાયપાસ પર સફારી પાર્કમાં રહેતો તોસીફ આદમ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. તેની પૂછપરછમાં આરોપીના બંને ભાઈઓ તેને મિલ્કતમાં ભાગ આપતા ન હોય. અને તેના બનેવી ખોટી રીતે હેરાન કરતા હોવાથી મંદિરને બોમ્બથી ઉડાવવાનું તરક્ત રચ્યું હોવાની કબૂલાત કરી હતી. બન્ને ભાઈઓ અને બનેવીને પોલીસ કાર્યવાહીમાં ફસાવવા તોસીફે પોતાના મોબાઈલ પરથી ભરૂચ કંટ્રોલ રૂમમાં રાત્રીના એકથી બે વાગ્યાના સમય ગાળા દરમ્યાન સ્વામીનારાયણ મંદીરને બોમ્બ બ્લાસ્ટ કરવાનો કોલ કર્યો હતો.
પોલીસ ટીમોએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે અેંટી સબોર્ટેજની કાર્યવાહી કરતા બોમ્બ સબંધી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી ન હતી. આરોપી તોસીફ સામે સી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.