શહેરમાં બિલ્ડરના મકાનમાંથી ૧ કરોડથી વધુની ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ બિલ્ડર પરિવાર સાથે કુળદેવીના દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન બિલ્ડરના ઘરમાંથી ૧,૦૩,૯૬,૫૦૦ની ચોરી થઇ જતા ચકચાર મચી ગઇ હતી. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પગેરું શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભરૂચમાં બિલ્ડર ધર્મેશભાઇ દિનેશચંદ્ર તાપીયાવાલા પરિવાર સાથે મોઢેશ્વરી માતાના દર્શને મોઢેરા ગયા હતા. તેઓ ૧૨ જૂનના આ પરિવાર ઘર બંધ કરીને કુળદેવીના દર્શને ગયા હતા. આ લોકો ૧૪મી જૂને વહેલી સવારે પરત આવી ગયા હતા. પરિવાર પરત આવ્યો ત્યારે ઘરનો દરવાજા ખુલ્લો હતો. આ સાથે ઘરનો સામાન પણ વેરવિખેર હાલતમાં પડ્યો હતો. જેથી તેમને લાગ્યું કે ઘરમાં ચોરી થઇ છે. ચોરોએ ઘરમાં પ્રવેશવા માટે જાળીવાળા દરવાજાનો નકુચો તોડી નાંખ્યા હતો. જે બાદ દરવાજાનું ઇન્ટર લોક તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. જે બાદ તસ્કરોએ ગ્રાઉન્ડ અને પહેલા માળના રૂમમાં આવેલા લાકડાના કબાટમાંથી કુલ રોકડા ૧,૦૩,૯૬,૫૦૦ રુપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ફરાર ચોરોને શોધવા માટે એફએસએલની મદદ પણ લેવામાં આવશે. આ સાથે પોલીસ આ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના વર્ણન અને ફરાર થવાની દિશા શોધવામાં આવી રહી છે. જાકે, પ્રાથમિક અનુમાન પ્રમાણે, આ ચોરો પરિવારના જાણભેદુ હોવાની પણ ચર્ચા થઇ રહી છે. બિલ્ડરે વેપારના કામ માટે ઘરમાં પાંચસોના દરની ૧૦૦ નોટના ૧૯૨ બંડલ તથા પાંચસોના દરની ૯૩ નોટ છૂટી જેની કુલ કિંમત રૂપિયા ૯૬૪૬૫૦૦ હતી. આ ઉપરાંત ૧૦૦ની નોટના ત્રણ બંડલ જેની કુલ કિંમત ૬ લાખ અને ૧૦૦ રૂપિયાના દરની ૧૦૦ નોટના ૫ બંડલ હતા.