સાવરકુંડલા ખાતે જાહેરસભામાં કરેલ ટીપ્પણીનો પત્ર લખી વળતો જવાબ આપ્યો
ટિકિટ કપાયા અંગે નારણ કાછડીયા લોકો સામે સ્પષ્ટતા કરે ઃ ભરત સુતરીયા
લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લા ભાજપમાંથી વર્તમાન સાંસદ નારણભાઈ કાછડીયાની ટિકિટ કપાયા અંગે ભરતભાઈ સુતરીયાએ સાંસદને સ્પષ્ટતા કરતા પોતે લખેલા પત્રમાં જણાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું છે કે ટિકિટ કયા કારણોસર કપાણી તે અંગે સાંસદ પણ જાણે છે અને તેની સ્પષ્ટતા લોકો સામે કરે.
થોડા દિવસ પહેલા સાવરકુંડલાના એક જાહેર કાર્યક્રમમાં વર્તમાન સાંસદ નારણભાઈ કાછડીયાએ લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વ્યવસ્થિત રીતે થેન્ક્યુ પણ બોલી શકતા નથી એવી જાહેર મંચ પરથી ટીકાઓ કરી હતી. જેના પ્રત્યાઘાતરૂપે જિલ્લા પંચાયતના પ્રમુખ અને લોકસભાના ભાજપના ઉમેદવાર સુતરીયાએ સાંસદ નારણભાઈ કાછડીયાને થેન્ક્યુ પત્ર લખી અને વળતો જવાબ આપ્યો છે. તેમના પત્રમાં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆતથી લઈ અને અત્યાર સુધી જેટલી વખત નારણભાઈ કાછડીયાને થેન્ક્યુ કહેલ છે, તેનો ઉલ્લેખ કર્યો છે અને સાંસદ નારણભાઈ કાછડીયાની ટિકિટ કયા કારણોસર કપાણી છે તે જાહેર જનતા સમક્ષ જાહેર કરવાની વિનંતી પણ પત્રમાં કરી છે. તેમણે જણાવ્યું છે કે નારણભાઈ કાછડીયાએ ઉમેદવારોને લઈને જે પ્રશ્ન ઉઠાવ્યા છે તેમાં ચૂંટણી માટેની પ્રક્રિયા દરમિયાન ઉમેદવાર નક્કી કરવા માટે જે પાર્લામેન્ટ્રી બોર્ડ છે તેની સામે પણ આંગળી ચીંધી છે અને આ પાર્લામેન્ટરી બોર્ડનું પણ અપમાન છે. આમ નારણભાઈ કાછડીયાના નિવેદનને વળતો જવાબ આપી ભરતભાઈ સુતરીયાએ અમરેલી જિલ્લાના રાજકારણમાં નવી જ ચર્ચા શરૂ કરી છે.