પૂર્વ સાંસદ અને કોંગ્રેસના પૂર્વ નેતા મર્હૂમ અહેમદ પટેલની આજે પ્રથમ પુણ્યતિથિ છે. તેમના વતન અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે આજે ગુરુવારે સર્વધર્મ પ્રાર્થના સભા યોજોઈ હતી. જેમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી તથા મૌલિન વૈષ્ણવે હાજરી આપી હતી. જે બાદ અહેમદ પટેલની કબર પર ફુલહાર અર્પણ કરાયા હતા.
કોંગ્રેસના પીઢ નેતા અને ચાણક્ય અહેમદ પટેલના નિધનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. તેમના નિધન બાદ રાજકીય આલમમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું ૨૫ નવેમ્બર ૨૦૨૦ના રોજ કોરોના સંક્રમણના કારણે ૭૧ વર્ષની વયે નિધન થયું હતું. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની તબિયત સતત બગડતી ગઈ હતી,અને આખરે તેઓ મોતને ભેટ્યા હતા
અહેમદ પટેલનો જન્મ ૨૧ ઓગસ્ટ, ૧૯૪૯માં ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મોહમ્મદ ઈશકજી પટેલ અન માતા હવાબેન મોહમ્મભાઈ હતું. એવું કહેવામાં આવે છે કે, તેમના પિતા કોંગ્રેસમાં હતા અને તેમના પિતાનો અનુભવ તેમને કામ લાગ્યો હતો. અહેમદ પટેલ રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ હતા. અહેમદ પટેલ ૨૦૦૧થી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર રહ્યા હતા. તેઓ ગાંધી અને નહેરુ પરિવારની ખૂબ નજીકના સાથી રહ્યા છે