સોશિયલ મીડિયા પર ભડકાઉ નિવેદનો અને નફરતના સંદેશાઓ ફેલાવવાના મામલે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસના આઇએફએસઓ યુનિટે હવે અસદુદ્દીન ઓવૈસી અને સ્વામી યતિ નરસિમ્હાનંદ સામે પણ ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ એફઆઇઆર નોંધી છે. આ પહેલા દિલ્હી પોલીસના આઇએફએસઓ યુનિટે નુપુર શર્મા અને નવીન જિંદાલ સહિત ૯ લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી.
દિલ્હી પોલીસના સૂત્રોનું માનીએ તો નફરતભર્યા નિવેદનોથી વાતાવરણ બગાડનારાઓ પર દિલ્હી પોલીસની કડકાઈ ચાલુ રહેશે. નુપુર શર્મા અને નવીન જિંદાલ સહિત ૯ લોકો પર કડક કાર્યવાહી બાદ એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસી અને સ્વામી નરસિમ્હાનંદ પર સોશિયલ મીડિયા દ્વારા સમાજમાં નફરત ફેલાવવા, ખોટા અને અપ્રમાણિત સમાચાર ફેલાવવા, ધાર્મિક સંવાદિતાને ખલેલ પહોંચાડવા અને અન્ય ઘણી કલમોનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ પહેલા બુધવારે દિલ્હી પોલીસે કહ્યું હતું કે તેણે કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે જેઓ કથિત રીતે નફરત ફેલાવતા સંદેશાઓ ફેલાવી રહ્યા છે, જુદા જુદા જૂથોને ઉશ્કેરી રહ્યા છે અને શાંતિ અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડે તેવી સ્થિતિ સર્જી રહ્યા છે. સ્પેશિયલ સેલના ‘ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક આૅપરેશન’ યુનિટ દ્વારા નોંધાયેલી એફઆઇઆરમાં નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલ સહિત નવ લોકોના નામ આપવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર એફઆઇઆરમાં નૂપુર શર્મા, નવીન કુમાર જિંદાલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુલ રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીના અને પૂજા શકુનના નામ સામેલ છે.આઇએફએસસી ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે હ્લૈંઇ વિવિધ ધર્મના લોકો વિરુદ્ધ નોંધવામાં આવી છે.
ભૂતકાળમાં નૂપુર શર્માએ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં મળેલા કથિત શિવલિંગને લઈને ટીવી ડિબેટ દરમિયાન પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. નુપુર શર્માના આ કથિત નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા, જેના સંદર્ભમાં દિલ્હી પોલીસે કાર્યવાહી કરી છે. નુપુર શર્માને તેના કથિત નિવેદનને કારણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી અને દિલ્હી બીજેપીના મીડિયા ઈન્ચાર્જ નવીન કુમાર જિંદાલને વિવાદાસ્પદ ટિવટ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. નૂપુર શર્માને પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધના કથિત નિવેદન બાદ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી જેની તેણે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી હતી. દિલ્હી પોલીસે કેસ નોંધીને નૂપુર શર્માને સુરક્ષા પૂરી પાડી હતી.