કેન્દ્ર સરકાર દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચ્યા બાદ શિવસેનાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું, ‘ખેડૂતો દોઢ વર્ષથી અન્યાયી કૃષિ કાયદાઓ સામે આંદોલન કરી રહ્યા હતા. આ કાયદો જમીનની માલિકી ધરાવતા ખેડૂતોને ગુલામ બનાવવા માટે લાવવામાં આવ્યો હતો.
જલિયાવાલા બાગ જેવા અત્યાચારથી આંદોલનને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂતોએ વિરોધ ચાલુ રાખ્યો, ખેડૂતો વરસાદ અને તડકાને સહન કરતા રહ્યા, આખરે કેન્દ્ર સરકારને ખેડૂતો સામે ઝુકવું પડ્યું. પરંતુ કેન્દ્ર સરકારનો ઘમંડ હજુ પણ ખતમ થયો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની માફી માંગી નથી.
સંજય રાઉતે પત્રકારોને સંબોધતા કહ્યું કે, ૧૩ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી આગામી સમયમાં ઉત્તર પ્રદેશ અને પંજોબ વિધાનસભાની ચૂંટણી હારવાનો મોદી સરકારને ભય છે. એટલા માટે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને પાછો ખેંચી લીધો છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં પણ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે પાકિસ્તાની, ખાલિસ્તાની તરીકે બદનામ થયેલા ખેડૂતોની સામે સફેદ ઝંડો કેમ ફરકાવ્યો ? ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જે કામ આંદોલનોથી થઈ શક્યું નથી, તે આગામી ચૂંટણીમાં હારના ડરથી થયુ છે.
સામનાના તંત્રીલેખમાં લખ્યું છે કે, ‘રાહુલ ગાંધીએ જોન્યુઆરીમાં કહ્યું હતું કે, સરકારે આ ત્રણ કાળા કાયદા પાછા લેવા પડશે. જેમણે રાહુલ ગાંધીને પપ્પુ કહીને અપમાનિત કર્યા છે તેઓના ઘમંડનો પરાજય થયો છે. લખીમપુર ખેરીમાં આંદોલનકારી ખેડૂતોને ભાજપના પુત્ર દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા.ર્જલિયાવાલા બાર્ગ હત્યાકાંડના વિરોધમાં સંપૂર્ણ બંધનું આહ્વાન કરનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય હતું. ન્યાય, સત્ય અને રાષ્ટ્રવાદની લડાઈમાં મહારાષ્ટ્રે હંમેશા નિર્ણાયક ભૂમિકા ભજવી છે.