અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના નાના ભંડારિયા ગામની સીમમાં અઢી વર્ષ પહેલાં થયેલા એક મર્ડર કેસનો ભેદ અમરેલી તાલુકા પોલીસની ટીમે ઉકેલી કાઢ્યો છે. ગત તા. ૨૨/૦૨/૨૦૨૩ના રોજ નાના ભંડારિયા ગામની સીમમાં આવેલા ડેમના પાળે એક અજાણી સ્ત્રીની લાશ મળી આવી હતી. તાજેતરમાં મૃતકની માતા નવલીબેન બારીયાએ તેમની દીકરી ગુમ હોવા અંગે અરજી આપી હતી. તપાસ દરમિયાન લાશના ફોટોગ્રાફ્સ અરજદારને બતાવતા તેમણે તેમની દીકરી હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેના આધારે લાશના DNA સેમ્પલ અરજદાર અને તેમના પતિના સેમ્પલ સાથે FSL ખાતે સામ્યતા ધરાવવા મોકલી અપાયા હતા. દરમિયાન, તા. ૩૦/૦૯/૨૦૨૪ના રોજ જમાઈ ભાવેશ કટારાએ તેના સાસુ નવલીબેનને મળીને કબૂલાત કરી હતી કે, ‘મેં તમારી દીકરીને મારી નાખી છે.’ આ કબૂલાતના આધારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભાવેશ કટારા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે બાતમીના આધારે આરોપીને વડીયા તાલુકાના બાદલપર ગામની સીમમાંથી પકડી પાડ્યો હતો.
ઝઘડો થતાં પત્નીનું ગળું દબાવી દીધું
આરોપીએ કબૂલ્યું હતું કે, સને ૨૦૨૩માં જ્યારે તેના સાસુ-સસરા દાહોદ ગયા હતા, ત્યારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં તેણે પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ લાશને ખંભા પર નાખીને ડેમના પાળા પાસે પથ્થરો હટાવી, લાશને સંતાડી દીધી હતી અને ઉપર કાંટાના ડાળખા નાખીને તે ત્યાંથી જતો રહ્યો હતો.







































