બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. બ્રિટનમાં હવે યુનિવર્સિટીની તે ડિગ્રીઓ પર પ્રતિબંધ મૂકશે જેમાં સૌથી વધુ ડ્રોપઆઉટ હોય છે. તેમજ કોર્સ કર્યા બાદ વિદ્યાર્થીઓને સારી નોકરી પણ મળતી નથી.
સુનક યુવાનો માટે રોજગારની તકો લાવવા ઉચ્ચ શિક્ષણ ઇચ્છે છે. આ પછી જાબ માર્કેટમાં બદલાવ જોવા મળશે. આ ઉપરાંત, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનની યોજનાઓમાં, જે કોર્સ બાદ નોકરી મળતી નથી અને ઉચ્ચ ડ્રોપઆઉટ ડિગ્રીઓ પર નિયંત્રણ લગાવવામાં આવશે.
સુનકે કહ્યું કે બ્રિટનમાં ઘણી સારી યુનિવર્સિટીઓ છે અને ત્યાંથી ડિગ્રી મેળવવી ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ એવી ઘણી સંસ્થાઓ છે જે યુવાનોને ખોટા સપનાઓ વેચી રહી છે. આવી સંસ્થાઓ કરદાતાઓના ખર્ચે યુવાનોને નબળા અભ્યાસક્રમો ભણાવી રહી છે.
તેઓ કહે છે કે નકામા અભ્યાસક્રમોની દેશની અર્થવ્યવસ્થા પર અસર પડે છે. તેથી, અમે સ્કીલ ટ્રેનિંગની જાગવાઈને પ્રોત્સાહન આપવા માટે કામ કરીશું. તેમજ કોર્સમાં સારું પરિણામ આવતું નથી તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવા શિક્ષણ વિભાગને સૂચના આપવામાં આવશે. યુકેના શિક્ષણ પ્રધાન ગિલિયન કીગને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને કરદાતાઓને આશા છે કે તેમનું રોકાણ વેડફાય નહીં.
અહેવાલો અનુસાર, યુકેમાં ૧૦માંથી ૩ ગ્રેજ્યુએટ સારી નોકરી મેળવી શકતા નથી. જ્યારે, હાયર એજ્યુકેશન સ્ટેટિસ્ટીક્સ એજન્સીના અહેવાલ મુજબ, બ્રિટનમાં કૃષિ, આર્ટસ, ઓનર્સ જેવા વિષયોમાં સૌથી વધુ ડ્રોપઆઉટના કેસ જોવા મળ્યા છે.
સરકાર દ્વારા આવી કોઈ યાદી બહાર પાડવામાં આવી નથી કે કયા અભ્યાસક્રમો બંધ કરવા તૈયાર છે, પરંતુ સરકારી સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે આ નવી નીતિના કારણે આર્ટસ અને હ્યુમેનિટીઝના કોર્સને કોઈ નુકસાન નહીં થાય. એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં અભ્યાસક્રમોની જાહેરાત કરવામાં આવશે. યુકે સરકાર ટૂંક સમયમાં એક નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરશે. જ્યાં યુવાનો ટી લેવલ (ટેક્નિકલ-આધારિત લાયકાત) થી લઈને સ્કીલ બુટકેમ્પ અને જરૂરી કોર્સની માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે.
સુનકે કહ્યું છે કે જીવનમાં સફળ થવા માટે તમારે યુનિવર્સિટી જવાની જરૂર નથી. ઘણા લોકો માટે, યુનિવર્સિટીમાં અભ્યાસ એ જ સર્વસ્વ છે, પરંતુ એવા લોકો પણ છે જેમને વર્તમાન શિક્ષણ વ્યવસ્થાએ નિરાશ કર્યા છે. જો કે ત્યાંની લેબર પાર્ટી વડાપ્રધાનના નિવેદનની ટીકા કરી રહી છે. તેમના મતે આનાથી યુવાનોની આકાંક્ષાઓ પર અંકુશ આવશે.