બ્રિટનની ‘રોયલ ટ્રેન’ ટૂંક સમયમાં છેલ્લી વખત સ્ટેશન છોડશે. બકિંગહામ પેલેસે કહ્યું છે કે રાજા ચાર્લ્સ ત્રીજાએ સ્વીકાર્યું છે કે રાણી વિક્ટોરિયાના સમયથી ચાલતી આ ટ્રેનને બંધ કરવાનો સમય આવી ગયો છે. ‘રોયલ ટ્રેન’ ચલાવવાનો ખર્ચ ખૂબ જ વધારે છે. ‘રોયલ ટ્રેન’ કોઈપણ કોમર્શિયલ એન્જીન સાથે જાડી શકાય છે. ૨૦૨૭ માં તેના વર્તમાન જાળવણી કરારની સમાપ્તિ પહેલાં તેની સેવા બંધ કરવામાં આવશે.
‘રોયલ ટ્રેન’ ટ્રેન ૧૮૬૯ માં રાણી વિક્ટોરિયા દ્વારા તેમના પ્રવાસ માટે શરૂ કરવામાં આવી હતી. શાહી મહેલના નાણાકીય બાબતોના પ્રભારી જેમ્સ ચેલમર્સે કહ્યું, “ભવિષ્ય તરફ આગળ વધતાં, આપણે ભૂતકાળમાં બંધાયેલા ન રહેવું જાઈએ. જેમ શાહી પરિવારના અન્ય કાર્યો આધુનિક બન્યા છે, તેવી જ રીતે આ પરંપરાને આદરપૂર્વક વિદાય આપવાનો સમય આવી ગયો છે.” શાહી ખર્ચ અંગે મહેલની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ‘રોયલ ટ્રેન’ સેવાને સમાપ્ત કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ ટ્રેનનો ઉપયોગ બ્રિટિશ શાહી પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે બ્રિટનની ‘રોયલ ટ્રેન’ એક ભવ્ય અને ખાસ ટ્રેન છે, જે ખાસ કરીને શાહી પરિવારની મુસાફરી માટે બનાવવામાં આવી છે. આ ટ્રેન બ્રિટિશ રાજાઓ અને શાહી સભ્યોની ગરિમા, પરંપરા અને સુરક્ષાનું પ્રતીક છે. રાણી વિક્ટોરિયાના સમયમાં, તે સ્ટીમ એન્જીન પર ચાલતી એક વૈભવી ટ્રેન હતી. ત્યારથી, સમય જતાં, આ ટ્રેન આધુનિક સુવિધાઓથી સજ્જ થઈ છે, પરંતુ તેની શાહી ઓળખ અને પરંપરાઓ હજુ પણ અકબંધ છે.
ખાસ કોચઃ ‘રોયલ ટ્રેન’માં કુલ ૯ થી ૧૧ કોચ છે, જેમાં દરેક કોચ કોઈને કોઈ શાહી સભ્ય અથવા હેતુ માટે નિયુક્ત કરવામાં આવે છે.
રોયલ ઇન્ટીરિયરઃ ટ્રેનના આંતરિક ભાગમાં કિંમતી લાકડું, કાર્પેટ, શાહી પ્રતીકો અને સજાવટ છે, જે કોઈ મહેલથી ઓછી દેખાતી નથી.
રસોડું અને ભોજનઃ તેમાં એક શાહી રસોડું છે, જ્યાં રસોઈયા શાહી પરિવાર માટે ખાસ ભોજન તૈયાર કરે છે.
બેડરૂમ અને બાથરૂમઃ દરેક શાહી સભ્ય માટે એક અલગ બેડરૂમ અને એનેક્સ બાથરૂમ છે.
સુરક્ષા અને ગોપનીયતાઃ આ ટ્રેન ખૂબ જ સુરક્ષિત છે અને તેની મુસાફરીની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.
‘રોયલ ટ્રેન’ સમગ્ર યુનાઇટેડ કિંગડમ – ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડમાં ચાલી શકે છે. તે સામાન્ય લોકો માટે નથી અને ફક્ત ખાસ શાહી પ્રસંગો, જેમ કે શાહી લગ્નો અથવા સમારંભો અથવા શાહી ઉદ્ઘાટન અથવા પ્રવાસો પર ચલાવવામાં આવે છે.
‘રોયલ ટ્રેન’ ની જાળવણી અને સંચાલન વાર્ષિક લાખો પાઉન્ડ ખર્ચ કરે છે. બ્રિટનમાં સમયાંતરે ટીકા થતી રહી છે કે આટલી મોંઘી ટ્રેન કરદાતાઓના પૈસાથી કેમ ચલાવવી જાઈએ. હવે જ્યારે આ સેવા બંધ થવા જઈ રહી છે, ત્યારે ઘણા લોકો માને છે કે શાહી પરંપરા અને સુરક્ષાના દૃષ્ટિકોણથી તે હજુ પણ જરૂરી છે.







































