૧૭મી બ્રિક્સ સંમેલનની ઘોષણામાં, ભારત અને બ્રાઝિલને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં કાયમી સભ્ય બનાવવાની માંગ કરવામાં આવી છે. આ સંયુક્ત ઘોષણામાં, બ્રિક્સ નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને વધુ લોકશાહી અને અસરકારક બનાવવા માટે ગ્લોબલ સાઉથના બે દેશો, ભારત અને બ્રાઝિલનો સભ્ય તરીકે સમાવેશ કરવાની ભારપૂર્વક માંગ કરી છે. બ્રિક્સ દેશોના નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર, સુરક્ષા પરિષદ સહિત, તેને વધુ લોકશાહી, પ્રતિનિધિ, અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે તેના વ્યાપક સુધારા માટે તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે.
ઘોષણામાં કહેવામાં આવ્યું હતું કે, “અમે સંયુક્ત રાષ્ટ્ર, તેની સુરક્ષા પરિષદ સહિત, તેને વધુ લોકશાહી, પ્રતિનિધિ, અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે વ્યાપક સુધારા માટે અમારા સમર્થનનો પુનરોચ્ચાર કરીએ છીએ, જેથી તે વર્તમાન વૈશ્વીક પડકારોનો પૂરતો પ્રતિસાદ આપી શકે અને આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના ઉભરતા અને વિકાસશીલ દેશો, જેમાં બ્રિક્સ દેશોનો સમાવેશ થાય છે, તેમની કાયદેસરની આકાંક્ષાઓને સમર્થન આપી શકે, જેથી આંતરરાષ્ટ્રીય બાબતોમાં, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રમાં, તેની સુરક્ષા પરિષદમાં, વધુ મોટી ભૂમિકા ભજવી શકાય. અમે આફ્રિકન દેશોની કાયદેસરની આકાંક્ષાઓને ઓળખીએ છીએ, જે એઝુલવિની સર્વસંમતિ અને સિર્ટે ઘોષણામાં પ્રતિબિંબિત થાય છે.”
બ્રિક્સ જૂથે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. બ્રિક્સ ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે, “અમે આતંકવાદ સામે ‘શૂન્ય સહિષ્ણુતા’ની નીતિ સુનિશ્ચિત કરવા અને આતંકવાદ સામે લડવામાં બેવડા ધોરણોને નકારવા વિનંતી કરીએ છીએ.” તેમાં કહેવામાં આવ્યું છે કે, “અમે આતંકવાદ સામે લડવામાં દેશોની પ્રાથમિક જવાબદારી પર ભાર મૂકીએ છીએ અને આતંકવાદી જાખમોને રોકવા અને તેનો સામનો કરવાના વૈશ્વીક પ્રયાસોમાં તેઓએ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેમની જવાબદારીઓનું સંપૂર્ણ પાલન કરવું જાઈએ.”
બ્રિક્સ જૂથના નેતાઓએ એકપક્ષીય ટેરિફ અને નોન-ટેરિફ પગલાંમાં વધારા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી, જેને ટેરિફ પર યુએસ નીતિના પરોક્ષ સંદર્ભ તરીકે જાવામાં આવ્યું હતું. બ્રિક્સે વિશ્વના ઘણા ભાગોમાં ચાલી રહેલા સંઘર્ષો અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં “ધ્રુવીકરણ અને વિભાજન” ની વર્તમાન સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, “અમે કબજા હેઠળના પેલેસ્ટનિયન પ્રદેશની પરિસ્થિતિ અંગે અમારી ગંભીર ચિંતાનો પુનરાવર્તન કરીએ છીએ.”
તમને જણાવી દઈએ કે બ્રિક્સમાં કુલ ૧૧ દેશો છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, યુએઈ અને ઈરાનનો સમાવેશ થાય છે. ઉપરાંત, બેલારુસ, બોલિવિયા, ક્યુબા, કઝાકિસ્તાન, મલેશિયા, નાઇજીરીયા, થાઇલેન્ડ, યુગાન્ડા અને ઉઝબેકિસ્તાન બ્રિક્સના ભાગીદાર દેશો છે. આ વર્ષે વિયેતનામને પણ બ્રિક્સમાં ભાગીદાર દેશ તરીકે સામેલ કરવામાં આવ્યું છે.