વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બહુપ્રતિક્ષિત નામિબિયા પ્રવાસ પર પહોંચ્યા છે. આ મુલાકાતને ભારત અને નામિબિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ આપવા તરફ એક ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. ત્રણ દાયકામાં ભારતીય વડા પ્રધાનની નામિબિયાની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. પીએમ મોદીનું નામિબિયામાં પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ નામિબિયાના સ્થાનિક કલાકારો સાથે ડ્રમ પણ વગાડ્યું.
વડાપ્રધાન મોદી અને નામિબિયાના રાષ્ટ્રપતિ નેતુમ્બો નંદી-ન્દાતવાહ વચ્ચે એક-થી-એક સંવાદ અને બંને દેશોના મંત્રીઓની ટીમ સ્તરની ચર્ચાઓ થશે. આ વાટાઘાટોમાં વેપાર, સંરક્ષણ, ડિજિટલ સહયોગ અને વૈશ્વિક દક્ષિણમાં ભાગીદારી જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચાનો સમાવેશ થાય છે.
ભારત અને નામિબિયા વચ્ચે વેપાર, રોકાણ, શિક્ષણ, આરોગ્ય,આઇસીટી,અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં કુલ છ મહત્વપૂર્ણ સમજૂતી કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે. આમાં યુપીઆઇ સહિત ખનિજ અને ઉર્જા ક્ષેત્રોમાં સહયોગ અંગેના કરારો પણ શામેલ હશે. ભારત અને નામિબિયા હીરાની સીધી આયાત તરફ વાટાઘાટો કરી રહ્યા છે, જેનાથી મધ્યસ્થીઓની ભૂમિકા ઓછી થશે. ઉપરાંત, યુરેનિયમ, કોબાલ્ટ અને લેન્થેનાઇડ્‌સ જેવા મહત્વપૂર્ણ ખનિજા પર લાંબા ગાળાના કરારોની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
નામિબિયા પહોંચ્યા પછી, પીએમ મોદીએ ટ્વીટર પર લખ્યું, “થોડા સમય પહેલા વિન્ડહોક પહોંચ્યો હતો. નામિબિયા એક મૂલ્યવાન અને વિશ્વસનીય આફ્રિકન ભાગીદાર છે, જેની સાથે અમે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા માંગીએ છીએ. આજે હું રાષ્ટ્રપતિ ડા. નેતુમ્બો નંદી-ન્દાતવાહને મળવા અને નામિબિયાની સંસદને સંબોધવા માટે આતુર છું.”
પ્રધાનમંત્રી મોદી તેમની મુલાકાત દરમિયાન નામિબિયાની સંસદને સંબોધશે. આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રી દક્ષિણ આફ્રિકા ક્ષેત્રની બહાર કોઈ આફ્રિકન દેશની સંસદમાં ભાષણ આપશે. આ ઉપરાંત, તેઓ નામિબિયાના પ્રથમ રાષ્ટ્રપતિ ડા. સેમ નુજામાને શ્રદ્ધાંજલિ આપશે.
પીએમ મોદીની આ મુલાકાતની ખાસ વાત એ છે કે હવે નામિબિયામાં પણ યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ સિસ્ટમ શરૂ થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી એનપીસીઆઇ અને સેન્ટ્રલ બેંક ઓફ નામિબિયા વચ્ચે આ અંગેના કરાર પર હસ્તાક્ષર કરશે.