ભારતમાં પોતાને બૌદ્ધિક કહેડાવતો વર્ગ દેશમાં ઘટતી અનેકો ઘટનાઓમાંથી અમુક સિલેક્ટેડ ઘટનાઓ પર પોતાનું નેગેટીવ વિતર્ક વાળું બૃહદજ્ઞાન પીરસવા માટે જાનમાં ફુઈની જેમ સોશ્યલ મીડિયા પર છાસવારે પ્રગટ થયા કરે છે અને બુદ્ધિનું ઉંબાડિયું કરીને પોતપોતાના દરમાં પેસી જાય છે. કૂવાના તળિયે ખાબોચિયું ભરેલું હોય અને કૂવો પોતાને સમંદર સમજવા લાગે એવી ભ્રમિત માનસિકતા ધરાવતો આ વર્ગ છેલ્લા થોડા વર્ષોમાં પેદા થઈને સીધો ભારતના જાહેરજીવનમાં આવી ગયો છે. માની કોખમાંથી બધી માહિતી અને જ્ઞાન લઈને પેદા થયા હોવાની એમની માન્યતા આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ કરતા પણ વધુ દ્રઢ છે. કોણ હોય છે આ લોકો ? ફિલ્મી જગતમાં ખુબ માથા પછાડીને પણ પોતાની અણઆવડતને લીધે અસફળ કલાકારો, જેની સરકારી દુકાન બંધ થઇ ગઈ છે એવા હુક્કાબિરાદરની કક્ષાના ઈતિહાસકારો, આજદિન સુધી સરકારી પૈસે જેનું સર્જન પ્રગટ થતું હતું એવા દરબારી સાહિત્યકારો, સી અને ડી ગ્રેડના નેતાઓ, સમાજે જેની સેવાઓ લેવાનો ઇનકાર કરી દીધો છે એવા સમાજસેવકો, હિંદુ શબ્દમાં જ કોમવાદની બૂ સુંઘી લેતા સેક્યુલરો. શાયરીનું કામ કરીને સાહિત્યપ્રેમીઓની તાળીઓ મેળવવાને બદલે પાવલીછાપ કોમવાદી નિવેદનો આપીને તાબોટા ઉઘરાવતા ગાલીબ અને મીરના તરઝૂમિયા શાયરો. વ્યક્તિ વિરોધ કરતા કરતા દેશદ્રોહ સુધી પહોંચી ગયેલા વામપંથીઓ મુખ્યત્વે આ વર્ગમાં આવે છે.
માણસના જીવનમાં વફાદારી મહત્વનો ગુણ કે ગુણધર્મ છે. દરેક તબકાના માણસની વફાદારી મહત્વની છે. માણસના આર્થિક, સામાજિક દરજ્જા અને સ્થાન મુજબ વફાદારી અપેક્ષિત છે. જે સંસ્થા, એકમ કે ક્ષેત્ર જેની સાથે તે કોઈપણ પ્રકારે જોડાયેલો છે ત્યાં તેની નિષ્ઠા હોવી જરૂરી છે. તેની સાથે દગાખોરી કરીને એ સર્વાઈવ નથી થઇ શકતો. આવું જ દેશની બાબતમાં છે. જે દેશમાં વ્યક્તિનો અધિવાસ છે, વફાદારી એ દેશ પ્રત્યે જ નિહિત હોવી જોઈએ. સૌથી ઉંચો પ્રેમ જો વતનનો પ્રેમ હોય તો સૌથી મોટો દગો પણ વતનથી વફાદારી નહિ રાખવી છે. એક સમયે દેશમાં એક આખી વિચારધારા અસ્તિત્વમાં હતી કે જેની નિષ્ઠા ભારતમાં રહીને પણ મોસ્કો કે બેઈજિંગ બાજુ હતી. આજે એ વિચારધારા અને વિચારધારા પર ઉભેલા પક્ષો અને માણસોનું અસ્તિત્વ ભારતમાં મૃતપ્રાય અવસ્થામાં પહોચી ગયું છે. એમ કહેવાતું કે જો મોસ્કો કે બેઈજિંગમાં વરસાદ પડે તો ડાબેરીઓ કલકત્તામાં છત્રીઓ ખોલે છે. એ ફેંકાઈ ગયા, અદ્દલ જેમ સમુદ્ર તેની અંદર ફેંકવામાં આવેલો કચરો કાંઠે ફેંકી દે છે. દેશની મુખ્ય વિચારધારા સાથે તેઓ ક્યારેય ચાલ્યા નહિ.
આ આખો વર્ગ એમ માને છે કે સામાન્ય પ્રજા કરતા એમનું બુદ્ધિનું સ્તર ઊંચું છે. એ એવા વિચારો ધરાવે છે કે જે આમ જનતાનું કામ નથી. તેની પાસે કોઈપણ બાબતે અસહમત થવા માટે ઠોસ કારણો, તર્ક અને દલીલો હમેશા ઉપલબ્ધ હોય છે. આ વર્ગ સાડા આઠ નંબરના જાડા કાચના ચશ્માં અને ચોળાયેલા ઝભ્ભા પહેરીને ટીવી ડીબેટમાં જોવા મળે છે. અથવા તો સરકારની કોઈ નીતિઓ કે પોતાની સરકાર વિરુદ્ધની કોઈ માંગોને લઈને ચળવળ કે લાંબા સગવડિયા સવારે દશથી શરુ થઈને સાંજે સાડા છ વાગ્યે પુરા થતા અનશન કરતો જોવા મળે છે. એની ગતિવિધિઓ કે પ્રવૃત્તિઓ હંમેશા સંદિગ્ધ અને શંકાના દાયરામાં આવે તેવી હોય છે. એ એવા લોકો અને સંસ્થાઓ સાથે સંબંધ કે ઉઠબેસ રાખે છે જે ભારત માટે સારી ભાવના ધરાવતી હોતી નથી. હિટલરે પોતાની આત્મકથા માઈન કામ્ફમાં લખ્યું છે કે ‘એક હજાર બૌદ્ધિક બડબડિયા કરતા એક મજૂર રાષ્ટ્રને વધારે કામ આવે છે.’
આઝાદી બાદ તુરંતના થર્ડ ક્લાસ નેતાઓએ હિન્દુસ્તાનની ફર્સ્ટ ક્લાસ સંસ્થાનોમાં ફોર્થ ક્લાસ હજુરિયા ચાપલુસ બૌદ્ધિકોને બેસાડીને દેશની આલા દરજ્જાની સંસ્થાઓમાં લુણો લગાડી દીધો હતો. આઝાદી બાદ એક વ્યવસ્થિત ષડ્‌યંત્રના ભાગરૂપે આવા ડેવિલ એલીમેન્ટ્‌સને મોટા કરવાની એક કુત્સિત પ્રવૃત્તિ સતત ચાલતી રહી અને એ પણ શિક્ષણ અને ઈતિહાસ સંવર્ધનના ઓઠા હેઠળ. ભારતના વિદ્યાર્થીઓ શું ભણશે એ વર્ષો સુધી આ લોકોએ નક્કી કર્યે રાખ્યું. સત્તામાં બેઠા હતા એ લોકો સિવાયનો ઈતિહાસ સિફતપૂર્વક ભુલાવી દેવામાં આવ્યો. ભારતના ઈતિહાસને સામ્યવાદના લાલ રંગથી રંગતા રહ્યા. બેધડક આખા હિન્દુસ્તાનને એક ખોટો ઈતિહાસ ભણાવતો રહ્યો. સાફસૂફી ચાલુ થઇ ત્યારે ખબર પડી કે આ ઉધઈ કેટલા સુધી ફેલાઈ ગઈ છે.
બૌદ્ધિકની વફાદારી દેશ માટે અગત્યની છે. સ્થિરમતિ બૌદ્ધિક દેશની મહામૂલી સંપતિ છે. દેશના પ્રશ્નોના નિરાકરણમાં તેની પ્રતિભાનો ઉપયોગ કરી શકાય છે. પણ એ માટે એણે કોઈ પૂર્વગ્રહ વિના ભૂમિકા નક્કી કરવી પડશે. ભારત માટે નીતિઓ ઘડવા અન્ય દેશના આગેવાનને રોલમોડેલ ધારી ન શકાય. ચીનના માઓને પોતાના નેતા માનતા અને માત્ર દાઢી વધારીને લઘરવઘર કે અસ્તવ્યસ્ત દેખાવ ધરીને પોતાની જાતને ડાબેરી ગણાવતા અમુક લોકોની
માનસિકતા પણ લઘરવઘર રહી ગઈ છે. ભારતની લોકશાહીની સામાન્ય ચૂંટણીના જનાદેશને તેઓ પોતાના તાબા હેઠળના મજૂર યુનિયનની ચૂંટણીના જનાદેશ સાથે સરખાવી રહ્યા છે. પોતાની વિચારધારાની વિરુદ્ધના નિર્ણયો લેવાના સંપૂર્ણ બહુમત સરકારના બંધારણીય અધિકારને શેરીમાં આવીને પડકારી દેશની જનતાને ભ્રમિત કરવાનું એક વ્યવસ્થિત ષડ્‌યંત્ર ચાલી રહ્યું છે. કોઈ પક્ષની સરકાર અને સંગઠનના વિરોધમાં આંધળા આ લોકો નક્સલવાદીઓના, આતંકવાદીઓના, દરેક દેશદ્રોહીઓના સમર્થનમાં છાસવારે ઉતરી પડે છે. ભારતની જનતાએ આ નપુંસક વિરોધના તળ સુધી ઉતરવું જરૂરી છે. કામૂએ ‘ધ રિબેલ’ માં લખ્યું કે કોઈપણ ક્રાંતિ કે વિરોધ પાછળનો હેતુ ગમે તેટલો ઉંચો હોય તો પણ એના પાયામાં નીતિમત્તા હોવી જરૂરી છે. કામૂએ કહ્યું કે કોઈપણ સાધ્ય મેળવવા માટે સાધન શુદ્ધ હોવું જોઈએ. ક્વિક નોટ – વ્યક્તિને અમર્યાદ સ્વાતંત્ર્ય ક્યારેય ન હોવું જોઈએ, રાષ્ટ્રને અમર્યાદ સ્વાતંત્ર્ય હંમેશા હોવું જોઈએ… – સુન યાત સેન production@infiniumpharmachem.com