“બોસ મારે દિલ્હી જાવું છે. કઈ બસમાં જાવું?”
બકાએ હલતબડે આવીને બોસની સલાહ માંગી.
“દિલ્હી? અને તારે ? શા માટે જાવું છે? બકા, દિલ્હીમાં આપણાં જેવા માણસોનું કામ નહીં.”
“કેમ? મોદી દિલ્હીમાં નથી રહેતાં? ”
“હા હા, દિલ્હીમાં જ રહે છે.”
“તો પછી મોદી અહીંનાં જ માણસ છે અને અહીંનાં જ હતાં ને..!!”
“ઈ તારી વાત ખરી છે. પણ હવે એ આપણાં જેવા નથી ને !?? અને છતાંય તારે દિલ્હી જાવું હોય તો ટ્રેનમાં જવાય. બસ તો ન્યાં લગણ ના જાય.”
“હું વાત કરો છો? ન્યાં બસ નથી હાલતી? લાલુ પ્રસાદજી રેલવેમંત્રી હતાં તંઈ એમનાં હાહર-વેલમાં આખી ટ્રેન ચાલુ કરાવી ‘તી. નવા નક્કોર પાટા નાખીને અને આપણાં મોદી સાહેબે એક બસે’ય ચાલુ ના કરાવી ?”
“બકા, દિલ્હી છે બારસો કિલોમીટર જેવું. એમાં બસ કેમ હાલે ? તું તારે ટ્રેનમાં જાને. પણ, તારે દિલ્હી જાવું છે કેમ? તું ક્યાં કોઈ ચૂંટણીમાં ચુંથાણો છો? મતલબ ચૂંટણીમાં ચૂંટાણો છો ? ન્યા તો એવા બધા જાય.”
“મારે આપણાં મોદીને મળવું છે.”
“મોદીને મળવું હોય તો અહીં આવે ત્યારે મળી લેવાય. વાર -પરબે ગુજરાતમાં આવતાં જ હોય છે.”
“એ જ તો મોટી મોંકાણ છે. અહીં આપડા વાળા મળવા જ દેતાં નથી ને. એટલે તો દિલ્હી જાવું છે.”
“તારી વાત ખરી બકા. પણ, મોદીને ખાસ લોકો અને ખાસ કામ હોય તો જ મળાય છે. તારી પાંહે એવું કયું ખાસ કામ છે?”
“હા..હા. તો જ દિલ્હીનો ધક્કો ખવાય ને.”
બેરાલાલેય સલાહ આપી.
“બકા, મોદી હવે ગુજરાતના મુખ્યમંત્રી નથી રહ્યા હોં. એ આખાં ભારતના ભાગ્ય વિધાતા બની ગયા છે એટલે એની એક એક મિનિટ કિંમતી હોય છે. તું વિચાર કરીને જાજે. ડેલીએ હાથ દઈને પાછું ના આવવું પડે.”
“બેરાલાલ, મારી પાંહે ટોપના પેટનો આઈડિયો છે. એ હાંભળીને મોદી ખુશ ખુશ થઈ જાહે અને આપણાં સૌરાષ્ટ્રનું દાળદર મટશે. હારે હારે ખેતી કરતાં ઘણા ‘ય ભાયું બે પાંદડે થાહે.”
“બકા, તારી પાંહે વળી કયો નવો આઈડિયો છે કે, ખેડૂતો બે પાંદડે થાય. મોદી આવ્યા ત્યારથી કહે છે અને મહેનત કરે છે કે મારા ખેડૂતો બે પાંદડે થાય. મારા ખેડૂતની આવક ડબલ થાય. પણ…”
“એટલે જ તો મારે મોદીને નવો આઈડિયો દેવો છે.
એમાં ‘ય આપણી જેવા કપાસ વાવતા ભાયુંને તો બખા જ થઈ જાહે. કપાસમાં તો હવે ઈયળો આવી જાય છે. અને થાય છે એનો ભાવેય આવતો નથી. તો હવે સાંઠીયુના ‘ય પૈસા આવશે અને એ પણ ખોબેને ધોબે.”
“બકા, કાંઈ હમજાય એવી વાત કર. સાંઠીયુમાંથી પ્લાય બને છે. ઈ આપણે હાંભળ્યું ‘તું. પણ, ઈ કેટલીક સાંઠીયુ ઉપાડે. પણ, તું વળી કાંઈક નવું લાવ્યો છો. તારો આઈડિયો શું છે? ઈ તો જરા વાત કર.”
“મોદીને પાબ્લો એસ્કોબારને ભારતમાં લઈ આવવાનો છે.”
“આ પાબ્લો એસ્કોબાર વળી કોણ છે? અને એ છે ક્યાંનો? ગુજરાતનો લાગતો નથી.”
“ગુજરાત તો શું, ભારતનોય નથી. કોલંબિયાનો પૈસાદાર માણસ છે. ભલે એ, ડોન છે પણ, માણસ છે. એનામાં માણસાઈ છે.”
“ડોનને ભારતમાં લાવવો છે? એક ડોન તો હેરાન પરેશાન કરે છે. ત્યાં બીજો ડોન લાવવો છે?”
“આ એવો ડોન નથી. પણ..!! ભલેને આવે. આપણે ત્યાં નેતાઓ ‘ય ડોન હોય છે. કોઈ દિવસ કોઈએ વાંધો ઉઠાવ્યો??”
“અરે પણ, આ નવો ડોન કરે છે શું? અને એનાંથી આપણને શું ફાયદો!??”
“આ માણસને દીકરીઓ ખૂબ વહાલી છે. એ દીકરીને ક્યારેય દુઃખી જોઈ શકતો નથી.”
“હા પણ, એમાં દીકરી અને સાંઠીયુને ક્યાં સાંઠગાંઠ આવી ?”
“તમે વાત તો પુરી હાંભળો, ઉતાવળ ભારે. એની દીકરીને વારે વારે ઠંડી લાગે. પૈસાવાળા ઘરમાં ભડકા કરતાં હોય છે. એક દિવસ આ ચુલામાં બળતણ ખૂટી ગયું. દીકરી ઠંડીથી ધ્રુજવા લાગી.
બળતણ મળે નહીં. એનો બાપ પાબ્લો એસ્કોબાર આ જોઈ ના શકયો. એમણે સીધું જ પૈસાનું એક ગોડાઉન ખોલ્યું. પૈસાના બંડલના બંડલ ચુલામાં નાખતો ગયો.. નાખતો ગયો..પુરા ૧૪ કરોડ રૂપિયા ચુલામાં હોમી દીધા. આને મન ચુલામાં આગ ચાલુ રહેવી જોઈએ.”
“હો..હો..હો..!! રૂપિયા ચૌદ કરોડનું તાપણું કરી નાખ્યું!?? ખરો માણસ છે પાબ્લો. પણ, એનાથી આપણને શું ફાયદો??”
“લો કર લો બાત..!! આપણે સાંઠીયુ એમને -એમ સળગાવી દઈએ છીએ. ઘઉંની પરાળ પણ એમ જ સળગાવીએ છીએ. હવે જો આ પાબ્લો ભારતમાં મતલબ સૌરાષ્ટ્રમાં આવી જાય તો..,આપણે એના ચુલામાં સાંઠીયુ ના ખૂટવા દઈએ. એને રૂપિયા બાળવા નઈ, સાંઠીયુ બાળ્યે રાખે અને આપણને રૂપિયાના બંડલના બંડલ આપે રાખે.”
“તો.. બકા, તું જલ્દી દિલ્હી જા. તને ટ્રેન ના મળે તો તું ભારખાનામાં ચડી જા. પણ, તું જલ્દી દિલ્હી જા.”