“બકા બકા, આમ ઉતાવળા પગે અને દોડતો દોડતો ક્યાં જાય છે?
શું ક્યાંય આગ બાગ લાગી છે? ”
“આગ તો રાજકોટનાં મેટોડામાં લાગી છે. પણ..”
“હવે બકા આવી આગ તો જાણી જોઈને લગાવવામાં આવે છે. હાસુ ખોટું રામ જાણે. પણ છાપા વાળા એવું કહે છે કે, આ બધી મોટી રમત હોય છે. પણ, તારે અને ઈ આગને શું લાગે વળગે? ”
“બોસ, મારે ઈ આગ સાથે નાવા નિચોવાનો ‘ય સંબંધ નથી. અહીં તો મને આગ લાગી છે.”
“તને ? તું તો હાજો નરવો દેખાસો. આગનાં લબકારા ક્યાંય કરતાં ક્યાંય દેખાતાં નથી. તો પછી..”
“બોસ, તમને મોટાં માણસોને આ આગ નહીં દેખાય કે નહીં સમજાય. ”
“લો કર લો બાત..! આ વળી તું નવું લાવ્યો. આ વળી કેવી આગ ? અને થયું છે શું? એ તો વાત કર.
અને આ હાથમાં શું છે?”
“દસ્તાવેજ છે, ઘરનો દસ્તાવેજ.”
“એનું અત્યારે શું છે?? દસ્તાવેજને તો દબાવીને મૂકી દેવાનો હોય.”
“બોસ બોસ. હવે તો માણસ જીવતો છે કે, મરી ગયો છે. ઈ ‘ય જોતું રેવું પડે આવો જમાનો બદલાયો છે. અને તમે કાગળનાં દસ્તાવેજની વાત કરો છો?? ”
“હું કાંઈ હમજયો નઈ બકા.”
“કોઈ સાઈકો કિલર બાર બાર, પંદર પંદર માણસોને મારી નાંખે છે. કોઈ નવો સવો સીટી બસનો ડ્રાઈવર સાત સાત જિંદગી હતી નહોતી કરી નાંખે છે. તો આવડાં આ કાગળનાં દસ્તાવેજનું શું ગજું!??”
“પણ થયું શું ? ઈ તો વાત કર.”
“આ મારો દસ્તાવેજ લઇને હું રજીસ્ટ્રાર ઓફિસમાં જાવ છું. આમાં કોઈએ કાઈ સુધારો તો નથી કર્યો ને..! કોઈ નવું નામ તો નથી ચડી ગયું ને.”
“અરે મારાં ભાઈ..!! સુરતની જેમ અડધું ગુજરાત ફાઈલ ઉપર હાલે છે. એને ‘ય ચિંતા નથી. અને તારી પાંહે તો પાકો દસ્તાવેજ છે. આવી ઠંડીમાં બે ગોદડા ઓઢીને સૂઈ જા. દસ્તાવેજમાં જોવાં પણું ના હોય.”
“બોસ, ન્યાં જ તમે ખોટા પડો છો.”
“આજકાલ તમારા જેવા સરકારના ભરોસે બેસી રહે છે અને મારા તમારા દસ્તાવેજમાં તમે હાંભળ્યા ન હોય એવા નામ દાખલ થઈ જાય છે.
તમારો આખોને આખો દસ્તાવેજ કો ’કના નામે ચડી જાય છે અને તમારા હાથમાં રહે છે આ કાગળીયા.”
“બકા બકા. દસ્તાવેજમાં આવું ના હોય. તારી ગેરસમજ થતી હશે.”
“તમે મને કો, આ ગામડાંના આખાને આખા ગૌચર ક્યાં ગયા? દરેક શહેરની નદીઓ સાંકડી કેમ થઈ ગઈ? સરકારી ખરાબાની કિંમતી જમીન ઉપર કોનો કબજો આવી ગયો?? અને રોડ સાંકડા કરીને આજુબાજુ દુકાનો કોણે ખડકી દીધી??
અને ઘણીય સરકારી મિલ્કતોના દસ્તાવેજ પણ બની ગયાં છે. શું આ બધું ખોટું છે??”
“આ બધું તું કહે છે ઈ કદાચ હાસુ હશે પણ , સરકાર તો બચારી સેવા કરે છે. એ આવું શા માટે કરે ? ”
“બોસ બોસ. સરકારનેય પેટ તો છે ને. બેય બાજુ વાંહો તો નથી. અને રાત ‘દિ એક કરીને જે કાર્યકર્તાઓ દોડે છે. એમનેય ઘર બાર તો હોય જ ને. છોકરા છાબરા હોય. કદાચ..! બબ્બે ઘર પણ હકાવતા હોય. આ બધું જોવાનું કામ સરકારનું નથી ??”
“છે છે બકા, સરકારનું જ કામ છે અને સરકાર પેલાં જ ઈ ધ્યાન રાખે છે. પછી જ સમય મળ્યે સરકાર હલાવે છે.
પણ, તારી આ દસ્તાવેજ વાળી વાત મને ગળે ઉતરતી નથી. આપણાં દસ્તાવેજમાં કોકના નામ કોણ ચડાવી દે ? અને શા માટે ચડાવે ?? તમારે સામાન્ય રેશનકાર્ડમાંય નામ ચડાવવું હોય તોય લાંબી લાઈનો લાગે છે અને ઢગલો એક કાગળીયા માંગે છે પછી જ નામ ચડે કે કમી થાય છે. તો પછી આ દસ્તાવેજમાં એમને એમ જ નામ ચડી જાય છે !??”
“બોસ તમે નહીં જ માનો. આ આખું ષડયંત્ર ચાલે છે. કોઈને વારસદાર ના હોય કે, આગળ પાછળ પૂછપરછ કરવાવાળું ના હોય કે, ઘણાં સમયથી અવાવરું મિલકત પડી હોય. એવાં દસ્તાવેજો આ ટોળકી શોધે છે અને એ દસ્તાવેજ ઉપરથી નવા નામ ઉમેરીને નવો દસ્તાવેજ બનાવી નાખે છે. અને પછી હક જમાવીને વેચી નાખે છે.”
“ભલાં માણસ..! આવું બધું એકલા હાથે ના થાય.
ઉપર સરકારના માણસો જોવા વાળા હોય છે.”
“હા પણ એનેય તે મોટું પેટ તો હોય જ ને.”
“એટલે તારું કે ’વાનું એમ છે કે, આ હંધાય મળીને આવું ખોટું કામ કરે છે??”
“હવે ઈ હંધૂય તમે જાણો. હું તો આ હાલ્યો દસ્તાવેજ લયને રજીસ્ટ્રાર કચેરીમાં. તમે ?? છાપું મૂકો અને…”