બોસના ઘર આગળ આજ સવારથી લાંબી લાઈન લાગી. કોઈ નાહીને આવી ગયાં. તો કોઈ વગર નાયે. કોઈ ચા- પાણી કરીને તો કોઈ ચા- પાણી વગર. જેમ -જેમ, જેને- જેને જાણ થતી ગઈ, એમ- એમ સૌ લાઈનમાં ઊભા રહેવા લાગ્યાં.
‘ક્યારે વારો આવશે ? વારો આવશે કે નહીં? અને વારો આવશે તો આપણને મનગમતું મળશે કે નહીં? ક્યાંક ઉલમાંથી ચૂલમાં ના પડીએ. લાકડે માંકડુ ના ભટકાઈ જાય તો સારું. ભલે જેવું મળે એવું. છે એનાંથી તો છૂટીએ. હવે તો હાવ જ કંટાળી ગયાં છીએ. એમ થાય છે કે, કોઈકને મફતમાં આપી દઈએ. એનાં કરતાં તો હામે આવે તો છે. હાટાપાટા તો થઈ જાહે.’
આવી તરહ તરહની વાતો કરીને સૌ ટાઈમ પાસ કરી રહ્યા હતાં. ફોર્મ ભરવાનું શરૂ થયું કે નહીં, ઈ ય કોઈને ખબર નહોતી. બસ, જેને -જેને સમાચાર મળ્યાં ઈ સીધાં જ વધારે જાણ્યાં કારવ્યા વગર લાઈનમાં ગોઠવાઈ ગયાં હતાં. સૌનાં મનમાં લાડું ફુટતાં હતાં. નવા- જૂનાં, નાનાં -મોટાં સૌ એક જ લાઈનમાં વગર કહયે ઊભા રહી ગયાં હતાં.
બેંકની લાઈન હોય કે સસ્તા અનાજની દુકાનની બહાર લાઈન હોય. ધક્કામુક્કી તો થાય જ. પરંતુ અહીં ના તો ધક્કામુક્કી થઈ, ના હોહા થઈ.
સૌને એક જ વાત મનમાં હતી કે, ‘આટ- આટલું સહન કર્યું જ છે તો થોડુંક વધારે. શું ફેર પડવાનો છે.’
‘અને સૌથી મોટી વાત. અહીં કોઈની કચકચ તો નથી. આમ કરો, તેમ કરો. આ ન કર્યું, તે ન કર્યું. અને આ શું કામ કર્યું? તમને તો ભાન જ પડતી નથી. મારું કામ વધાર્યું ને !!’
કેટલાંકને બીકેય હતી કે, ‘લાઈનમાં ક્યાંક ઈ જોઈ જશે તો ? વધારે મુશ્કેલી ઉભી થશે. અને તકલીફ છે, એનાં કરતાં વધી જાશે. છતાંય પડશે એવાં દેવાશે.’ એમ માનીને ઝંપલાવ્યું હતું.
છતાંય..સવાર સવારમાં આટલી મોટી લાઈન થવાનું કારણ શું હતું?
બકો અને બેરાલાલે રાત્રે ગામનાં ઓટલે વાતને વહેતી મૂકી હતી કે, “બૈરી બદલવાની (જૂની સામે નવી )એક કંપની ખૂલી છે. અને આ કંપનીમાં આપણાં બોસ એજન્ટ બન્યાં છે.”
“બકા, આટલું મોટું ફેંકવાનું રહેવા દે. આવી કોઈ કંપની ના હોય.” એક જણે સામે વિરોધ કર્યો.
“તમારે ન માનવું હોય તો ના માનશો. અને હજીય તમારે હેરાન થવું હોય તો થાવ. મને શું ફરક પડે છે. મેં ક્યાં એજન્સી લીધી છે.”
ત્યાં એક જણે બકાનો પક્ષ લીધો.
“હવે તારે હાસું માનવું હોય તો માન. નહીંતર ના માન. પણ, પુરી વાત તો હાંભળવા દે. બોલ બકા, આ વાત હાચી છે. એનાં કાંઈ આધાર પુરાવા ખરાં!?”
“જૂઓ.. તમે હંધાય તમારો મોબાઇલ કાઢો. એમાં બોસનું સ્ટેટ્‌સ જૂઓ. આજકાલ હંધાયને ધંધાની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરવી છે. અને એમાં ખોટું ‘ય શું છે? હારું નરહું હંધુય એમાં મળી રહે છે.”
હંધાયે મોબાઈલમાં જોયું.’જૂની બૈરી આપી જાવ અને નવી બૈરી લઈ જાવનો’ ફોટો હતો.
વાવાઝોડાની માફક આ સમાચાર આખાં ગામમાં ફેલાઈ ગયાં. ઘણાંયને તો હરખમાંને હરખમાં રાતે નિંદરેય ના આવી. કયારે હવાર પડે અને કયારે સૌથી પહેલો લાઈનમાં ઊભો રહી જાવ.’
સવાર પડતાં પડતાં લગભગ! પોણું ગામ લાઈનમાં ઊભું રહી ગયું.
કેટલાય કુંવારા હાઢુભાઈ મનમાં ને મનમાં પસ્તાવો કરતાં હતાં.’ આપણું ક્યાંય ગોઠવાયું નહીં. નહીંતર આપણેય આવી લાઈનમાં ઊભા હોત. આવી લાઈનમાં ઊભા રહેવાનાં આપણાં ભાગ્ય નથી.’
છતાંય કેટલાકે બકાને મળીને જાણવાની કોશિશ કરી કે, “જૂનું બૈરૂ ના હોય, એને આમાં ક્યાંય ચાન્સ ખરો કે નહીં!??”
પરંતુ.. બકો કે બેરાલાલ પાસે આવાં નિયમોની કોઈ જાણકારી નહોતી. એટલે આ આખી પલટનને પસ્તાવા સિવાય કોઈ આરોવારો ન્હોતો.
તો કેટલાંય મોટી ઉંમરના મુરતિયા મનમાં ને મનમાં હરખ કરતાં હતાં. પણ, હરખપદુડાઈ બહાર દેખાડતાં નહોતાં.
એને એમ હતું કે, ‘અમથું ‘ય આપણે ઘરઘયણું કરવાનું મન તો મનાવી જ લીધું હતું. છતાંય ક્યાંય મેળ પડતો નહોતો. તો.., આમાં જૂની હામે નવી આપે છે. પછી, જૂનીને કરશે શું? આપણી જેવાં કેટલાંયનો નંબર લાગી જવાનો છે. જૂનું તો જૂનું. ઘર તો બંધાય જાહે. આપણે રોટલાંનું કામ છે. ટપાકા હારે શું મતલબ!!’
આ આખી પલટન લાઈનમાં તો નહોતી પણ, બોસ બારણું ખોલે, ફોર્મ ભરવાનું ચાલું થાય અને લાઈન કેમ આગળ વધે એમાં જ એને રસ હતો.
લાઈનમાં થોડી હોહા થઈ..સૌએ આગળ જોયું તો બોસે બારણું ખોલ્યું. સૌનાં મોંઢામાં અર્ધો અર્ધો લાડવો આવવાનો હોય એમ સૌનાં મોંઢા અધખુલ્લા રહી ગયાં.
બોસને નવાઈ લાગી. “બકા, આ બધું શું છે?”
“તમારું સ્ટેટ્‌સ બોસ.”
“અરે..હજી મારે આજે અખતરો કરવાં જાવાનું છે.
પછી હું તમને જણાવીશ.”
સૌ એકસાથે બોલ્યાં.
“ભલે તમ તમારે તમે જઈને આવો. અમે લાઈનમાં ઊભા છીએ.”
(વધુ આવતાં અંકે)kalubhaibhad123@gmail.com