રોહિત કુમાર વાધવાન બોલિવિયામાં ભારતના પ્રથમ રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ કુદરતી સંસાધનો માટે પ્રખ્યાત આ દક્ષિણ અમેરિકન દેશમાં ભારતના પ્રથમ મિશનનું નેતૃત્વ કરશે. વાધવાને એન્ડીઝ શ્રેણીમાં લગભગ ૧૨,૦૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત વિશ્વની સૌથી ઊંચી રાજધાની લા પાઝમાં પડકારનો સામનો કરવો પડે છે.

૨૦૧૦ બેચના ભારતીય વિદેશ સેવા  અધિકારી વાધવાને જણાવ્યું હતું કે હવે હું લા પાઝમાં છું અને મને નવેસરથી દૂતાવાસ સ્થાપવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. ગુજરાતી મૂળના ભારતીય રાજદૂતે જણાવ્યું હતું કે પહેલા અમે એક કાર્યાલય બનાવીશું અને પછી સ્ટાફની ભરતી કરીશું. તેમની કારકિર્દી તેમને ઈરાનમાં ભારતીય દૂતાવાસથી યુકે અને કેન્યામાં ભારતીય ઉચ્ચ કમિશન સુધી લઈ ગઈ છે. નૈરોબીમાં તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે યુએનઇપી અને યુએન એચએબીઆઇટીએમાં નાયબ કાયમી પ્રતિનિધિ તરીકે પણ સેવા આપી હતી.

રોહિત કુમાર વાધવાન મૂળ ઓખાના વતની છે. ઓખાથી લા પાઝ સુધીની પોતાની સફર વિશે વાત કરતા તેમણે કહ્યું, “૨૦૦૩માં ગ્રેજ્યુએટ થયા ત્યાં સુધી મને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓ વિશે ખબર નહોતી. પોરબંદરમાં તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબી ની ડિગ્રી મેળવી અને ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા સ્છ પણ કર્યું. એક શુભેચ્છકની સલાહ પર, મેં સિવિલ સર્વિસીસ પરીક્ષા આપવાનું નક્કી કર્યું. મેં ૨૦૦૪-૦૫માં સરદાર પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન  અને અન્ય સંસ્થાઓમાં તૈયારી માટે નોંધણી કરાવી.

સિવિલ સર્વિસીસમાં કારકિર્દીની તૈયારી કરતી વખતે, તે અમદાવાદમાં ફેમિદા શેખને મળ્યો. બંને પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા. વાધવાને પોતાના આંતરધર્મી સંબંધના પડકારોને ઉકેલવા માટે એક વર્ષનો વિરામ પણ લીધો. આ દંપતી હવે લા પાઝમાં છે. વાધવાનના પરિવારમાં તેના માતાપિતા અને બહેનનો સમાવેશ થાય છે, હજુ પણ ઓખામાં રહે છે. વધુમાં, તેમણે કહ્યું, બોલિવિયા સ્વતંત્રતાના ૨૦૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યું છે. આ વર્ષે અને આ પ્રસંગે, ભારતે બોલિવિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ત્યાં પોતાનું દૂતાવાસ ખોલ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં, ભારતે બોલિવિયામાં ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ્સની નિકાસ કરી હતી અને બોલિવિયાથી સોનું અને ખાતર આયાત કર્યું હતું. સૂત્રો અનુસાર, ટર્નઓવર લગભગ ઇં૨.૩ બિલિયન હતું. ભારત બોલિવિયા સાથે દ્વિપક્ષીય વેપાર વધારવા આતુર છે. ભારત માળખાગત સુવિધા, ખાણકામ, ખનિજા અને ઉર્જા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવા આતુર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બોલિવિયાના રાજદૂત બનીને, ૪૪ વર્ષીય રોહિત કુમારે માત્ર ઓખા જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે.