“બોસ બોસ, મને એક વાતનો જવાબ ઝડતો નથી.”
“બોલને બકા. તારા માટે તૈયાર જ છીએ.”
“આ આપણી નવરાત્રી શાંતિથી ગઈ એટલે સરકારને હાશકારો થયો હશે.અને આ આપણી વૈશ્વિક ઓળખ ધરાવતી ગરબી આખા વિશ્વમાં રમાતી હશે ? ”
“હા હા, આજકાલ વિશ્વના લગભગ દેશોમાં આપણો ગુજરાતી વસે છે અને ગુજરાતી હોય એટલે ગરબી તો હોય જ.”
“હા પણ, અત્યારે વિશ્વના ઘણા દેશોમાં યુધ્ધ ચાલે છે. તો આ આકાશમાં સામ સામે મિસાઈલ ટકરાય એને હાઈટેક મિસાઈલ ગરબી કેવાય !??
આપણે ત્યાં સામસામે ડાંડિયા ટકરાય અને ત્યાં મિસાઈલ.”
“બકા, તારાં હાઈટેક વિચાર હારા છે પણ, આને ગરબી ના કહેવાય. આપણાં ડાંડિયા એકવાર ખરીદ્યા/ લીધા કે વરસો સુધી હાલ્યા કરે અને આ એક એક મિસાઈલ સો બસો કરોડની થાય.
હા, એક વાત ચોક્કસ છે કે, અમેરિકા, રશિયા સહિત ઘણાંબધાં દેશો અત્યારે કુંડાળે પડયા છે. વલોવાઈ વલોવાઈને કેટલી ખાના-ખરાબી કરશે ઈ તો મારો રામ જાણે.”
“બોસ, તમે ધારો તો આ યુધ્ધ અટકી જાય??”
“બકા, તું હજી મને ઓળખતો નથ. હું ધારુને તો યમરાજનેય બે દિવસ રજા રખાવી શકું.
અને આ શું આવા તો કેટલાંય યુધ્ધ આમ ચપટી વગાડતાં જ બંધ થઈ જાય. પણ, આપડે ઈ બધામાં પડવું નથ અને દુનિયામાં અઢીસો ત્રણસો નાના મોટા દેશ છે. આપડે આપડું કરાય આપડે ન્યા ક્યાં પ્રોબ્લેમ ઓછાં છે ?
અને પારકી પંચાતમાં મને રસેય નથ. તું આપડી વાત કર.”
“હા પણ, વાયા વાયા આપણેય ઊંટડો અડશે તો ખરો ને ! પેટ્રોલના ભાવ ભડકે બળશે. સોનુ નવા નવા શિખરો સર કરશે અને મારા ને તમારા ઘરમાં વપરાતું તેલ એ પણ મોંઘુ થશે.
ઈ તો આપણે કારણ વગરનું ભોગવી લેશું. પણ, મને ઈ નથી હમજાતુ કે, આ લોકો વારંવાર બાજે છે કેમ ?”
“જો બકા, વાંદરાને દારૂ પાય તો એ હું કરે ,??”
“પણ, આવા વળવાંગડા જેવા વાંદરાને દારૂ પાય છે કોણ!? દારૂ વધતો હોય તો ગુજરાતમાં આવવા દો.”
“યુધ્ધમાં વપરાતો સામાન બનાવવા વાળા. બીજુ કોણ ?”
“મને કાંઈ હમજાયુ નઈ.”
“એટલે જ કવ છું. તું બોવ આઘો જામા. નજીક રે.
પણ, તને મોટી વાતનો અભરખો જાગ્યો છે.”
“હા પણ, આપડે ન્યાં હમણા હમણા વાત કરવામાંય વાંધો પડે છે. આ નવરાત્રી જ જોઈ લો.
આવી પવિત્ર નવરાત્રીમાં કેટલાંકને લવરાત્રિ દેખાય છે. એને કોણ પુગે. આમ તો ઊગે એને કોઈ ના પુગે ?
પણ અહીં ઊગે છે જ ખોટું.”
“જો બકા, કમળો હોય એને બધું પીળું પીળું જ દેખાય.”
“હા પણ, પીળું હોનુ દેખાય તો તો વાંધો નથી. પણ, ભગવા કપડાં વાળા સ્વામીનેય પીળું દેખાય ??”
“બકા, તું ઉપર દેખાય છે એટલો જ જમીનમાં છો.
તારી પાંહે આવી બધી વાતો આવે છે ક્યાંથી?”
“નેટવર્ક.. નેટવર્ક બોસ. આપણું નેટવર્ક જોરદાર છે.
મુકા કાકાનેય ટક્કર મારે એવું.
થઈ થાવાનું મને ખબર હોય છે.
આ તો તમે બોસ છો. બાકી..!!”
“નહીંતર શું, તારે મુખ્યમંત્રી બનવું તું??”
“બોસ, નક્કી નહીં હોં. અહીં તો ગમે ત્યારે ગમે તેનો વારો આવી જાય.”
“હા પણ, નવરાત્રી હારી ગઈ એટલે હવે તું ઈ વહેમમાં રે તો નઈ.”
“બોસ તમે કહો છો કે, નવ દિવસ મા શક્તિની આરાધના કરવાની હોય છે. અને ભક્તિ કરે તો શક્તિ પ્રસન્ન થાય છે. પરંતુ, મને આમાં ક્યાંય શક્તિના દર્શન થાતાં નથી.”
હવે અભણ અમથાલાલનો વારો આવ્યો.
“ભક્તિના ચશ્મા ચડાવીને જોશો તો, તમને પણ શક્તિના દર્શન થાશે.
આ મનદીપ કોરને તમે શું માનો છો ??”
“મનદીપ કોર !?? ઈ વળી નવાં માતાજી આવ્યાં ??”
“નવાં માતાજી તો નથી. પણ, માતાજીથી કમેય નથી.”
“અરે પણ, આ પંજાબનું નામ ગુજરાતમાં કયાંથી?”
“જૂઓ, શક્તિને કોઈ સિમાડા ના હોય.
આ મનદીપ કોર બર બપોરે બે બાળકો સાથે ઘરે હતી અને હથિયારો લઈને ત્રણ ચોર ચોરી કરવા ચડી આવ્યા. મનદીપમાં શક્તિનો સંચાર થયો.
એ ખુદ બારણાં આડી ઊભી રહી ગઈ.
ત્રણ ત્રણ ચોરટાઓ બહારથી ધક્કો મારે. બારણું ઊઘાડ બંધ, ઊઘાડ બંધ થાય પણ શક્તિ સ્વરૂપા મનદીપ કોર ટસની મસ ના થઈ.
આખરે ચોરોને ઊભી પૂંછડીએ ભાગવું પડ્‌યું.
હવે આ શક્તિ મનદીપ કોરમાં ક્યાંથી આવી ? એ તમને હમજાય છે ??”
બકાએ કાન પકડ્‌યાં.