(૧) સાહેબ..! તમને કેવાં પ્રશ્નના જવાબ આપવા ગમે?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
આવા તો નહિ જ.
(૨) સાંભળ્યું છે કે તમે બધાં પ્રશ્ન પૂછનારાઓને ભજીયા ખવરાવાના છો?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
બે ત્રણ ભજિયાં વેચવાવાળા પણ પ્રશ્ન પૂછે છે અને એ આઈસ્ક્રીમની માંગણી કરે છે એમાં બધું અટક્યું છે.
(૩) સાહેબ! તમે રામ..રામ.. કરવા ક્યારે નીકળવાના?
ધોરાજીયા ઘનશ્યામભાઈ એન. (સાજણટીંબા)
ઘૂઘરા અને મઠિયાં વધ્યા લાગે છે!
(૪) મોટાભાગે વૃદ્ધો બોખા, બહેરા, માંદા, ભયભીત, નારાજ ,ટાલિયા, લોભિયા અને ચીડિયા કેમ હોય છે?
ડાહ્યાભાઈ આદ્રોજા (લીલિયા મોટા)
ગંગાપુત્ર ભીષ્મ આ વાંચશે તો મારી કોલમ અને તમારી કલમનો કચ્ચરઘાણ કાઢી નાખશે!
(૫) તમને કયો એવોર્ડ મળે તો રાજી થાઓ?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ હાલ કેનેડા)
કવિ કનવર એવોર્ડ!
(૬) છીંક, ઉધરસ અને હેડકી વચ્ચે શું સંબંધ?
નિરવ ડણાક (અમરેલી)
ત્રણેય માસિયાઈ બહેનો છે!
(૭) લગ્ન કરવા જવાય કે લગ્ન કરી નખાય?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
સ્થાનિક અને પરણેલા ગોરદાદાની સલાહ લો.
(૮) અનુપમાના અભિનયને એક શબ્દમાં વર્ણવો.
રમાબેન પટેલ (અમદાવાદ)
અનુપમ.
(૯)”સળંગ ડાહ્યો”આ વળી ક‌ઈ રીતનો
આભાર – નિહારીકા રવિયા ડાહ્યો કહેવાય?
હરિભાઈ ધોરાજિયા (લીલીયા મોટા)
આખી લગ્નવિધિ દરમ્યાન એકપણ વાર આડુંઅવળું ન જોવે એવા અણવરને સળંગ ડાહ્યો જાણવો!
(૧૦) તમને છેલ્લે થયેલો હાસ્યજનક અનુભવ કહેશો?
નીરજા આર. દવે (અમદાવાદ)
હમણાં એક ભાઈએ દુકાને જઈને કહ્યું કે પતંજલિના પારલે જી બિસ્કીટ આપો!
(૧૧) સાવરણીને પાણીમાં પલાળીને વાળીએ તો કચરાં પોતા એક સાથે થઈ જાય?
એકતા અક્ષય મેરૂલિયા (ભાવનગર)
ન થાય કેમ કે કચરા કાઢવામાં આગળ ચાલવું પડે અને પોતા કરવામાં પાછળ ચાલવું પડે.
(૧૨) ભાઈબંધ કેવો હોવો જોઇએ?
પાંડોર નિધિ ‘ રાહી ‘(બાયડ)
બહેનપણી જેવો.
(૧૩) શિયાળા અને લગ્નગાળા વચ્ચે કોઈ તાર્કિક સંબંધ છે?
કનુભાઈ પરમાર (દામનગર)
હા, શિયાળામાં ઠંડીને લીધે નડતા હોય એવા મહેમાન ટૂંટિયું વાળીને ખૂણામાં પડ્‌યા રહે!
(૧૪) સંસાર મોહમાયા છે એમ કેમ કહેવાતું હશે?
શંભુ ખાંટ ‘ અનિકેત ‘ (પાટયો અરવલ્લી)
ઘરે ડખો-બખો થયો હશે!
(૧૫) ન્યુઝીલેન્ડ સામે આપણે હારી ગયા એ માનવામાં નથી આવતું!
જય દવે (ભાવનગર)
ન્યુઝીલેન્ડવાળાને પણ એ જીતી ગયા એ માનવામાં નથી આવતું!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..